<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

મોરબીમાં ૧૦ મિમિ વરસાદમાં મિલી પાર્કમાં પાણી ભરાયા

છાંટા પડ્‍યા ત્‍યાંજ વીજળી ગુલ, લોકો બફારામાં શેકાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૬:  હવામાન વિભાગની આગાહી મુજબ જ મોરબી સહિત રાજ્‍યભરમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી જેમાં રાત્રીના સમયે મોરબી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્‍યો હતો. સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટરના સતાવાર આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં મોરબી જિલ્લામાં ૨ મીમીથી લઈ ૧૭ મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં હળવદમા ૧૭ મીમી, મોરબી અને વાંકાનેરમાં ૧૦ મીમી, ટંકારામાં ૯ મીમી તેમજ માળીયા મિયાણામાં ૨ મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્‍યમાં સૌથી વધુ ખેડાના કપડવંજમાં ૪૦મીમી વરસાદ નોંધાયો હતો.

મોરબીના મહેન્‍દ્રનગરના મિલી પાર્કમાં પાણી ભરાયા

ગત રાત્રે મોરબી શહેર અને જિલ્લામાં તોફાની પવન અને આંધી સાથે કમોસમી વરસાદ પડ્‍યો હતો. જેના કારણે મોરબીના મહેન્‍દ્રનગરના મિલી પાર્કમાં વરસાદી પાણી ભરાયા છે. ચોમાસા પહેલા જ સામાન્‍ય વરસાદમાં મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. થોડા વરસાદમાં જ મહેન્‍દ્રનગરના મિલી પાર્કમાં શેરીઓમાં પાણી ભરાય ગયા છે. જેના કારણે લોકોને અવર-જવરમાં મુશ્‍કેલી પડી રહી છે. હજુ થોડા છાંટા પડ્‍યા ત્‍યાં મોરબીના દરબારગઢ વિસ્‍તારમાં વીજળી ગુલ થઇ ગઈ હતી. અને પ્રી મોન્‍શન કામગીરી ન કરનાર વીજ કંપનીએ લોકોને ૪ કલાક ઉંઘ બગાડી ગરમીમાં સેકવા મજબુર કર્યા હતા. અને ચાલી આવતી પ્રથા મુજબ તેમને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધુ હતુ.

(12:19 PM IST)