<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

ખંભાળીયામાં પ જગ્‍યાએ વૃક્ષો પડયાઃ ર ટ્રાન્‍સફોર્મર ઉપર વિજળી પડી

કમોસમી વરસાદ સાથે મીની વાવાઝોડુઃ અડધો કલાક વિજ ગર્જના

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૬: ખંભાળીયામાં હવામાન ખાતાની હળવા વરસાદ સાથે પવનની આગાહી મુજબ ગઇકાલે રાત્રે અઢી વાગ્‍યે ભારે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થયા હતા. રાત્રે ભારે પવનથી વીજ વાયરો તથા મેઇન કેબલ ઝાડ પડતા તુટી ગયો હતો. જેથી અંધારૂ થઇ જતાં  તમામ વીજ ફીડરો બંધ થઇ જતાં અંધારામાં વીજળીના ચમકારા તથા કડાકાથી વીજળી વગર ગરમીમાં બફારા જાગતા લોકો ધ્રુજી ગયા હતા. રાત્રે અંધારાને દિવસ જેવો કરી નાખે તેવા ચમકારા સાથેના પ્રકાશ અને પછી વિજળીના કડાકાથી લોકો જાગી ગયા હતા. અડધી કલાક સુધી ચાલેલી વીજ ગર્જનાએ લોકોના હાજા ગગડાવી નાખ્‍યા હતા.

સ્‍ટેશન રોડ, જી.વી.જે હાઇસ્‍કુલ, નાવરા પંપ પાસે ત્રણેક વૃક્ષો પડી ગયા હતા. જેમાં એક વૃક્ષ ૧૧ કે.વી.ની મેઇન લાઇન પર પડતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો તથા બે સ્‍થળે વીજળી પડતા બે ટ્રાન્‍સફોર્મર બળી ગયા હતા. પીજીવીસીએલના ડેપ્‍યુટી ઇજનેર રોનક પટેલ, અનીલ વારીયા, ફાયર ચિફ ઓફીસર મીતરાજસિંહ પરમારની આગેવાનીમાં કામગીરી કરાઇ હતી.

અચાનક આવેલા માવઠાના વરસાદથી અનેક ગામોમાં ખેડૂતોમાં મગફળીના ભુકા તથા ઘાસ પલળી ગયું હતું જો કે સરકારી તંત્ર દ્વારા અગાઉથી જ સુચના અપાતા જાગૃત ખેડૂતો તથા લોકો દ્વારા અગાઉથી જ વ્‍યવસ્‍થા કરાતા રાહત થઇ હતી. વરસાદ માત્ર ઝાપટા જ હોય કોઇ નુકશાન નથી થયું.ખંભાળીયા શહેરમાં રાત્રે ભારે પવન વરસાદ અને ઝાપટા વીજ કડાકાને કારણે શહેરના અનેક સ્‍થળે વરસાદ તુટવા, ટ્રાન્‍સફોર્મર બળવા, વૃક્ષો પડવાની વચ્‍ચે પણ રાત્રે સાડા ત્રણ વાગ્‍યાથી વીજ તંત્રની કામગીરીના પગલે સવારે જ વીજ પુરવઠો પૂર્વવત થઇ જતા આજે બીજા દિવસે પાણી વિતરણ વ્‍યવસ્‍થા ખોરવાયા વગર ચાલુ રહી હતી.

(2:03 PM IST)