<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

જામનગર અને ધ્રોલ- જોડીયામાં રાત્રે તોફાની પવન સાથે કમોસમી વરસાદ પડયો

જામનગર શહેરમાં રાત્રિના બાર વાગ્‍યે તોફાની પવન સાથે મોટૂં ઝાપટૂં વરસ્‍યું: શહેરના અડધા ભાગમાં થોડો સમય માટે વીજ પુરવઠો ખોરવાયોઃ જામનગર જિલ્લાના જોડીયામાં ૪ મી.મી. જ્‍યારે ધ્રોલ પંથકમાં ત્રણ મી.મી. વરસાદ નોંધાયોઃ આજે પણ વરસાદી માહોલ

(મુંકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૬: જામનગર શહેર અને જિલ્લામાં પણ સમગ્ર સૌરાષ્‍ટ્રની સાથે સાથે હવામાનમાં પલટો આવ્‍યો હતો, અને ગઈકાલે રાત્રે ૧૧.૦૦ વાગ્‍યા બાદ એકાએક તે જ ગતિથી પવન ફૂંકાવાનો શરૂ થઈ ગયો હતો. સુસવાટા મારતા પવનના કારણે કયાંક કાગળ કચરા ની સાથે પતરા પણ ઊડ્‍યા હોવાના અહેવાલ મળ્‍યા છે.

ત્‍યારબાદ રાત્રિના ૧૨.૦૦ વાગ્‍યાના અરસામાં જામનગર શહેરમાં વરસાદી ઝાપટું શરૂ થઈ ગયું હતું. જોકે દસેક મિનિટ સુધી ઝાપટું ચાલુ રહયા બાદ વરસાદ રોકાઈ ગયો હતો. જેની સાથે સાથે શહેરના અડધા ભાગમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

 વરસાદી પવનના કારણે એકાએક ટ્રિપિંગ આવી જતાં થોડો સમય માટે વીજ પુરવઠો ખોરવાયો હતો જો કે ૨૦ મિનિટ બાદ પુનઃ એક પછી એક તમામ ફીડર ચાલુ થઈ ગયા હતા, અને વીજ પુરવઠો પૂર્વવત થયો હતો. જ્‍યારે વરસાદ પણ સંપૂર્ણપણે રોકાઈ ગયો હતો. આજે પણ સવારથી આકાશમાં વાદળો ખડકાયેલા છે, અને વરસાદી વાતાવરણ બનેલું રહ્યું છે જોકે મેઘરાજા ની એન્‍ટ્રી થઈ નથી. જામનગર શહેર ઉપરાંત જામનગર જિલ્લાના જોડીયામાં પણ ગઈકાલે રાત્રે વરસાદ શરૂ થઈ ગયો હતો, અને જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્‍યા અનુસાર જોડીયામાં ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો.

 સાથો સાથ ધ્રોળ ના ગ્રામ્‍ય પંથકમાં પણ ગઈકાલે રાત્રે જોરદાર વરસાદ પડી ગયો હતો, અને ત્‍યાં ત્રણ મિ.મી. વરસાદ નોંધાયો છે. જોકે આજે સવારથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ બંધાયેલો છે, અને કયાંક તોફાની પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ઉપરાંત વરસાદી વાતાવરણ બની જતાં ગરમીમાં થોડી રાહત જોવા મળી રહી છે.

(2:27 PM IST)