<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

ભાવનગર જિલ્લાના મહુવામાં તોફાની પવન સાથે ચાર ઇંચ વરસાદ

જેસરમાં એક ઇંચ ,પાલીતાણા, સિહોરમાં કરા સાથે અડધો ઇંચ :ભાવનગર શહેરમાં પણ સતત બીજા દિવસે વરસાદ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં આજે બીજા દિવસે પણ તોફાની પવન સાથે  વરસાદ પડ્યો હતો. જિલ્લાના પાલીતાણામાં આજે બપોરના એક વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને સાંજના છ વાગ્યા સુધીમાં જ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી  ગયો હતો. ભારે વરસાદ અને તોફાની પવનને કારણે લગ્ન પ્રસંગમાં ભારે અફડા તપડી મચી  ગઈ હતી. મહુવામાં વૃક્ષો ધરાશય થયા હતા. ભારે વરસાદની સાથે જ બપોરના એક વાગ્યાથી મહુવામાં વીજ પુરવઠો ખોરવાયો હતો જે સાધના છ વાગ્યા સુધી  શરૂ થયો ન  હોવાનું જાણવા મળેલ છે.

 

 જ્યારે પાલીતાણા જેસર અલંગ સહિતના ગામોમાં આજે બપોરે ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા હતા. ભાવનગર શહેરમાં સાંજે ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. 

 

ભાવનગરમાં આજે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જળવાઈ રહ્યો હતો. બપોર સુધી તડકો રહ્યા બાદ ભાવનગર શહેરમાં સાંજે 5:00 વાગ્યા પછી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જ્યારે પાલીતાણામાં બપોરે તેજ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. પાલીતાણા ઉપરાંત જેસર ,અલંગ , અગિયારી, સિહોર, ઘેટી વગેરે ગામોમાં પણ બપોરે વરસાદના કરા પડ્યા હતા.

 

 

આજે મંગળવારે સાંજના 6 વાગ્યા સુધીમાં ઉમરાળામાં 4 મી.મી. ઘોઘામાં 1 મી.મી., સિહોરમાં 9 મી.મી. ગારીયાધાર માં 7 મી.મી. ,પાલીતાણામાં 10 મી.મી.,તળાજામાં 3 મી.મી. જેસરમાં 21 મી .મી.અને મહુવામાં 93 મી.મી. વરસાદ નોંધાયો હતો. હજુ સાંજે પણ ભાવનગર શહેર સહિત જિલ્લાભરમાં વરસાદ વરસી રહ્યો છે. 

 

સતત બે દિવસથી કમોસમી વરસાદને પગલે ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગરમી ગાયબ થઈ ગઈ છે અને વાતાવરણ ઠંડુગાર બની ગયું છે.

 

 

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 32.5 ડીગ્રી નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 81 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 34 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

(7:42 PM IST)