<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

જામનગરમાં નાગરિક સંરક્ષણ મોકડ્રિલનું આયોજન : સંભવિત કટોકટી માટે તંત્ર અને નાગરિકોની તૈયારીની ચકાસણી : સાંજે ચાર કલાકથી આઠ કલાક સુધી મોકડ્રિલ અને રાત્રે અંધારપટ : જુઓ વિડીયો

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા મોકડ્રિલ અને બ્લેકઆઉટની વિગતો જાહેર : નાગરિકોને શાંતિ જાળવવા અને તંત્રને સહયોગ આપવા અપીલ

જામનગર : કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર, જામનગર જિલ્લામાં સંભવિત કટોકટીની પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તંત્રની તૈયારીઓની ચકાસણી કરવાના હેતુથી તા. ૭ મેના રોજ સાંજે ૪ થી ૮ કલાક સુધી નાગરિક સંરક્ષણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રિલની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજીને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સમાં મોકડ્રિલ અંગેની વિસ્તૃત માહિતી જાહેર કરી હતી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે મોકડ્રિલનો મુખ્ય હેતુ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર અને નાગરિકો બંનેને સજ્જ કરવાનો છે. તા. ૭મીએ સાંજે ૪ વાગ્યે સાયરન વાગશે અને રાત્રે ૮ થી ૮:૩૦ દરમિયાન સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ (અંધારપટ) કરવામાં આવશે. સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત રાખવા માટે આ મોકડ્રિલનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાથી, તેમણે નાગરિકોને ભયભીત ન થવા, અફવાઓથી દૂર રહેવા અને તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે મોકડ્રિલ માત્ર લોકોને સતર્ક અને જાગૃત કરવાનો એક સામૂહિક પ્રયાસ છે અને તેનો હેતુ સુરક્ષા તંત્ર અને નાગરિકોની પૂર્વ તૈયારીનો અભ્યાસ કરવાનો છે. આ દરમિયાન સંભવિત હવાઈ હુમલા, આગ જેવી કટોકટીની સ્થિતિમાં બચાવ કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે, ઈમરજન્સી સેવાઓ આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.
મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે શહેરી વિસ્તારના વિવિધ સ્થળો તેમજ એકમોમાં સાયરન વાગશે. રાત્રે ૮ થી ૮:૩૦ના બ્લેકઆઉટ દરમિયાન શહેર અને જિલ્લાની સ્ટ્રીટ લાઈટ્સ, આઉટડોર ડિસ્પ્લે બોર્ડ્સ, હોર્ડિંગ્સ, દુકાનો અને શોરૂમ્સની નિયોન સાઈન લાઈટ્સ, ઉદ્યોગોની લાઈટ્સ અને ઘરની લાઈટ્સ બંધ રહેશે. તેમણે લોકોને તેમના ઘરના બલ્બ અને ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખવા અપીલ કરી હતી. આ ઉપરાંત, મોકડ્રિલ દરમિયાન નાગરિકોને બિનજરૂરી ભીડ ન કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો, જેથી તંત્રને કામગીરીમાં કોઈ અવરોધ ન આવે.
પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે જાહેર સલામતી માટે યોજાઈ રહેલી આ મોકડ્રિલ માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. તેમણે લોકોને ભયભીત થયા વિના તંત્રને સહયોગ આપવા અપીલ કરી હતી અને પોલીસ તંત્રની તૈયારીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી છે જે લોકોને જાગૃત કરશે. આ સાથે જ મોકડ્રિલ અંગેની માર્ગદર્શિકાનું યોગ્ય પાલન થાય તે માટે ડ્રોન સહિતના તમામ સંસાધનો દ્વારા ચકાસણી પણ હાથ ધરવામાં આવશે.
આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, તમામ પ્રાંત અધિકારીઓ તેમજ આર્મી, એરફોર્સ, નેવી, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પુરવઠા વિભાગ, પાણી પુરવઠા વિભાગ, બી.એસ.એન.એલ., આર.ટી.ઓ., એસ.ટી. સહિતના અગત્યના વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાગરિક સંરક્ષણ તાલીમ અંતર્ગત મોકડ્રિલમાં નીચેની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે:
૧. હવાઈ હુમલા દરમિયાન નાગરિકોને ચેતવણી આપવા માટે સાયરન વગાડવું.
૨. નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને દુશ્મન દેશ દ્વારા હુમલાના કિસ્સામાં સ્વબચાવ અને સલામતીના ધોરણો અપનાવવા માટે તાલીમ આપવી.
૩. હુમલાના કિસ્સામાં કેવી રીતે બચવું? તેનાં પગલાં વિશે લોકોને માહિતી અને તાલીમ આપવી.
૪. યુદ્ધના સમયે મહત્વના સ્થળો અને સ્થાપત્યોને હુમલાથી બચાવવાનો પ્રયાસ કરવો અને તેના માટે તાલીમ આપવી.
૫. હુમલાના કિસ્સામાં ઈવેક્યુએશન પ્લાનનો અમલ અને રિહર્સલ કરવું.
સુરક્ષાનું સાયરન વાગે ત્યારે નાગરિકોએ આટલું ધ્યાન રાખવું:
 * સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં, શાંત રહીને સુરક્ષા વ્યવસ્થાનું પાલન કરશો.
 * ૫ થી ૧૦ મિનિટ માટે સુરક્ષિત સ્થાન પર જતા રહો.
 * ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો.
 * અફવાઓ પર ધ્યાન ન આપો. ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરો.
 * જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરો.

 

(11:05 PM IST)