News of Tuesday, 6th May 2025
મા.શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલની શાનદાર સિદ્ધિ : ધોરણ ૧૨ સાયન્સમાં ૧૦૦% પરિણામ : વિદ્યાર્થિની આરતી રાઠોડના આંકડાશાસ્ત્રમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ
જામનગર જિલ્લાની એકમાત્ર સરકારી ગર્લ્સ હાઈસ્કૂલે આર્ટ્સ અને કોમર્સમાં પણ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું, છેલ્લા પાંચ વર્ષમાં સર્વશ્રેષ્ઠ પરિણામ નોંધાયું : શાળા પરિવારમાં ગર્વની લાગણી

જામનગર : જામનગરની પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક મા.શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલે ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પરિણામોની હારમાળા સર્જી છે. ધોરણ ૯ થી ૧૨ સુધી ૭૦૦ થી ૯૦૦ જેટલી વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે શિક્ષણ પ્રદાન કરતી આ જિલ્લાની એકમાત્ર સરકારી ગર્લ્સ હાઈસ્કૂલે ગુજરાત બોર્ડના માર્ચ-૨૦૨૫ના ધોરણ ૧૨ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના પરિણામોમાં અસાધારણ સફળતા મેળવી છે. છેલ્લા પાંચ વર્ષના પરિણામોની સરખામણીમાં માર્ચ-૨૦૨૫નું પરિણામ સર્વશ્રેષ્ઠ રહેતા શાળાના આચાર્યા, સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થિનીઓ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ ૧૨ સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ ત્રણેય પ્રવાહનું આ સૌથી શ્રેષ્ઠ પરિણામ છે, જેમાં શાળાએ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૧૦૦% અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૧.૭૪% નોંધપાત્ર પરિણામ મેળવ્યું છે. માર્ચ-૨૦૨૫ના પરિણામમાં શાળાની વિદ્યાર્થિનીઓએ અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં એક વિદ્યાર્થિનીએ A1 ગ્રેડ અને ૧૭ વિદ્યાર્થિનીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
શાળાની તેજસ્વી વિદ્યાર્થિની આરતી રાઠોડે ૯૯.૫૨ પી.આર. સાથે A1 ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. તેમણે આંકડાશાસ્ત્ર વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવીને એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત, શાળાની અન્ય વિદ્યાર્થિની ચંદ્રપાલ માનસીએ ૯૦.૬૬ પી.આર સાથે B1 ગ્રેડ મેળવ્યો છે અને તેમણે બાયોલોજી વિષયમાં ૧૦૦ માંથી ૯૪ ગુણ મેળવીને પોતાની કાબેલિયત સાબિત કરી છે.
આ ભવ્ય સફળતા પાછળ શાળાના આચાર્યા અને તમામ શિક્ષકોની અથાગ મહેનત અને વિદ્યાર્થીનીઓની લગન રહેલી છે, જે ખરેખર રંગ લાવી છે. આ ઉત્કૃષ્ટ પરિણામ શાળાની અન્ય વિદ્યાર્થીનીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે, જે તેમને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન આપશે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
