તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
જુનાગઢમાં ગેસની પાઇપલાઇન ફાટી : આગમાં મહિલા, બાળકી સહિત ૩ ના મોત : જુઓ વિડીયો
ઝાંઝરડા ચોકડી પાસે દુર્ઘટના : ૬ વાહનો બળીને ખાખ : અનેક દુકાનો ઝપેટમાં આવી ગઇ : ફાયર બ્રિગેડની ટીમોએ આગને કાબુમાં લીધી

( વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૭: જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આજે વહેલી સવારે એક દુર્ઘટનાની ઘટના સામે આવી છે. અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં ભયંકર આગ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.
આ દુર્ઘટનામાં રૂપીબેન સોલંકી(ઉ.૩),ભક્તિબેન સોલંકી(ઉ.૪૦)અને હરેશભાઈ રાબડીયા(ઉ.૪૫)ના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
JCB ગેસ લાઈનને અડતાં આગ ભભૂકી આ દુર્ઘટનાની અંગે મળતી માહિતી મુજબ શહેરના ઝાંઝરડા રોડ પર કોઈપણ અધિકળત મંજૂરી વિના JCB દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે JCB ગેસ લાઈનને અડતાં અચાનક સ્પાર્ક બાદ વિસ્ફોટ થઇને આગ લાગી હતી. આ ઘટનામાં હજુ સુધી ત્રણ લોકોના મોત નીપજ્યાની પુષ્ટિ થઈ છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.!!
આજુ બાજુ લારી-ગલ્લા હોવાથી આગ વધુ ફેલાઇ આ સ્થળ નજીક ખાણીપીણીની દુકાનો, ફાસ્ટફૂડ સેન્ટર અને પાનના ગલ્લાઓ આવેલી હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. લોકોને સમયસર બહાર કાઢવા માટે ફાયર વિભાગે જહેમતભર્યા ઙ્કયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી અનેક દુકાનોમાં લાગેલી આગને કાબૂમાં લેવા મોટેપાયે કામગીરી શરૂ કરી હતી.!!
ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા આકસ્મિક આગની જાણ થતાં તાત્કાલિક જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ અને તંત્રના અન્ય અગ્ર અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જનતાની ભીડ એકત્ર ન થાય તે માટે અને રાહત કાર્ય સુચારુ રહે તે હેતુથી પોલીસ દ્વારા ઝાંઝરડા ચોકડી તરફ જતાં માર્ગોને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યા હતા.
નુકસાનનો આંકડો હજી સ્પષ્ટ નહીં હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. આગના કારણે થયેલા નુકસાનનો આંકડો હજુ સ્પષ્ટ થયો નથી, પરંતુ દુકાનો સહિતના વ્યવસાયિક એકમોને પણ નુકસાન થવાનું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ દ્વારા દોષિત લોકો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી શકયતા છે.!!
PGVCLને જાણ કર્યા વગર ખાદો ખોદાતો હતો PGVCLના લાઇનમેન રાજેશ પુરોહિતે જણાવ્યું હતું કે, આ જગ્યાએ PGVCLને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર JCB મારફતે અંડરગ્રાઉન્ડ ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનને નુકસાન થતાં તરત જ સ્પાર્ક થયો હતો અને ત્યારબાદ જ ભયંકર આગ લાગી હતી
ગઇકાલે પણ આગ લાગી હતી ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ મધુરમ ચોકડી પર ટોરેન્ટ ગેસની લાઈન લીકેજ થઈ હતીસ જેમાં ટોરેન્ટ ગેસના કર્મચારીઓ કબૂલ્યું હતું કે આ જગ્યા પર કામ કરવા માટેની કોઈએ પરવાનગી લીધી નહોતી. કર્મચારીઓએ એવું પણ કહ્યું હતું કે આ આકસ્મિક ઘટના છે આમાં અમારી કોઈ જવાબદારી હોતી નથી. (તસ્વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ) (૩.૧૯)
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
