News of Wednesday, 7th May 2025
વરસાદ વચ્ચે ઘુડખર અભ્યારણમાં ફસાયેલા ધ્રાંગધ્રાના પટેલ પરિવારને પૂર્વ કચ્છ પોલીસે બચાવ્યા
રાપરના વરણુ રણમાં ભારે વરસાદ અને પવનના કારણે ફસાયેલા ૧૨-૧૩ લોકોની આડેસર પોલીસે ગ્રામજનોની મદદથી સલામત રીતે બહાર કાઢ્યા

વિનોદ ગાલા, ભુજ: કચ્છના વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ગતરોજ માવઠાના કારણે ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા હતા. આ દરમિયાન, રાત્રિના સમયે ઘુડખર અભ્યારણમાં ધ્રાંગધ્રા તાલુકાના થરા ગામનો એક પટેલ પરિવાર ફસાઈ ગયો હતો. આ અંગેની જાણ ગત રાત્રે આડેસર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એમ.વાળાને એક ફોન દ્વારા કરવામાં આવી હતી.
ફોન કરનારે જણાવ્યું હતું કે રાપર તાલુકાના વરણુ રણમાં ભારે વરસાદ અને પવનના કારણે થરા ગામના પટેલ પરિવારના બારથી તેર સભ્યો ફસાઈ ગયા છે અને તેઓને તાત્કાલિક મદદની જરૂર છે. આ ગંભીર માહિતી મળતા જ પી.આઈ. જે.એમ.વાળાએ તાત્કાલિક આડેસર પોલીસ સ્ટાફને ઘટના સ્થળે રવાના કર્યો હતો.
આડેસર પોલીસ સ્ટાફના જવાનોએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી સુખપર તેમજ વરણુ ગામના દસથી પંદર સ્થાનિક લોકોની મદદ લીધી હતી. ગ્રામજનો ટ્રેક્ટર લઈને રણમાં ફસાયેલા પરિવાર સુધી પહોંચ્યા અને તેઓને સુરક્ષિત રીતે રણમાંથી બહાર કાઢ્યા હતા. વરસાદના તોફાનમાં ફસાયેલા પરિવારે પોલીસ અને ગામ લોકોનો આભાર માન્યો હતો, જેમની સમયસરની મદદથી તેઓ મોટી મુશ્કેલીમાંથી બચી ગયા હતા. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
