News of Wednesday, 7th May 2025
ભાણવડ પંથકમાં મેઘમહેર : પોણા કલાકમાં દોઢ ઇંચ વરસાદથી જળબંબાકાર : ખેડૂતોના ઘાસચારાને નુકસાન
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : ગ્રામ્ય પંથકમાં પણ એકાદ ઇંચ વરસાદ નોંધાયો

કૌશલ સાવજણી, ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માત્ર પોણા કલાકના સમયગાળામાં જ દોઢ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. આ ભારે વરસાદના કારણે ભાણવડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
અચાનક આવેલા આ વરસાદના કારણે ખેડૂતોને પણ નુકસાન થયું છે. ખેતરોમાં રાખેલો અને કાપણી કરેલો ઘાસચારો પલળી જવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. આ ઉપરાંત, ભાણવડના ગ્રામ્ય પંથકમાં પણ આ સમયગાળા દરમિયાન અંદાજે એકાદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના સમાચાર મળી રહ્યા છે.
ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી રાહત મળી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
