News of Wednesday, 7th May 2025
વાડીનાર ખાતે 'ઓપરેશન અભ્યાસ' મોકડ્રિલ : એર રેઇડમાં પાઇપલાઇનમાં આગ અને રહેણાંક વિસ્તારમાં રેસ્ક્યુનું સફળ નિદર્શન
હવાઈ હુમલાની જાણ થતાં જ નાગરિકોને ત્વરિત સલામત સ્થળે ખસેડાયા : ફાયર અને સિવિલ ડિફેન્સની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી

કૌશલ સવજાણી, જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર 'ઓપરેશન અભ્યાસ' અંતર્ગત એર રેઇડની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં એર રેઇડના કિસ્સામાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇનમાં લાગેલી આગ અને રહેણાંક વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
મોકડ્રિલ દરમિયાન બપોરના સમયે જિલ્લા કંટ્રોલરૂમને આઈ.ઓ.સી.એલ કંપનીના કર્મચારીઓની કોલોનીમાં મકાન ઉપર હવાઈ હુમલો (એર રેડ) થવા અંગે ફોન દ્વારા જાણકારી મળી હતી. આ માહિતી મળતા જ સાયરન વગાડીને જાહેર જનતાને હવાઈ હુમલા અંગે એલર્ટ કરવામાં આવ્યા હતા. સાયરનનો સંકેત મળતાની સાથે જ વિસ્તારના નાગરિકો તાત્કાલિક નજીકના સુરક્ષિત સ્થળોએ પહોંચી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સિવિલ ડિફેન્સની ટીમો તેમજ એમ્બ્યુલન્સ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને નાગરિકોને બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ઇમર્જન્સીના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા વાડીનાર પ્રાથમિક શાળાને કન્ટીજન્સી હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી, જ્યાં ઘાયલો અને રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા અને આરોગ્યની ટીમ દ્વારા તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત, વાડીનાર ખાતે આવેલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની પાઇપલાઇનમાં હવાઈ હુમલાના પરિણામે આગ લાગવાની ઘટનાનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને સીઆરપીએફ સહિતની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર ઝડપથી કાબૂ મેળવીને મોટી દુર્ઘટના થતી અટકાવી હતી. આ ઘટનામાં ઇજા પામેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજે સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત ગુજરાત રાજ્યના ૧૮ જિલ્લાઓમાં "ઓપરેશન અભ્યાસ" મોકડ્રિલ સફળતાપૂર્વક યોજાઈ હતી.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
