<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

હાઈ એલર્ટ વચ્ચે કચ્છની રણ સરહદે RE પાર્ક અને ખાવડા વચ્ચે શંકાસ્પદ ડ્રોન મળતાં ચકચાર : શું પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે જાસૂસી કરાતી હતી?

હાઈ ટેન્શન વીજ વાયર ઉપર ડ્રોન પડતા બ્લાસ્ટ સાથે બળી ગયું, ડ્રોનથી જાસૂસી કરાઈ છે કે કેમ એ અંગે એજન્સીઓની તપાસનો ધમધમાટ, ભુજ એરફોર્સ દ્વારા વધુ તપાસ શરૂ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ :કાશ્મીરના આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન ઉપર કરેલી એર સ્ટ્રાઈક બાદ કચ્છ સરહદે હાઈ એલર્ટ છે. તે વચ્ચે આજે  સવારે પાકિસ્તાનને જોડતી કચ્છની રણ સરહદે શંકાસ્પદ ડ્રોન મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. અહીં રણ સરહદે બનતા રિન્યુએબલ એનર્જી RE પાર્કની વીજ હાઇ ટેન્શન લાઇન ઉપર ડ્રોન પડતા બ્લાસ્ટ થયો હોવાની માહિતી મળી રહી છે. દરમ્યાન આ ડ્રોન મળી આવવાની ઘટના એ ડ્રોન વડે ભારતીય સીમાએ લશ્કરની મૂવમેન્ટ અંગે જાસૂસી કરાઈ રહી હતી કે કેમ? એ અંગે સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. અહીં ખાવડા નજીક આવેલા છેવાડાના સરહદી ગામ કુરનની આસપાસ આ ડ્રોન વહેલી સવારથી જ ઉડતું હતું. હાલના તબક્કે ડ્રોન મળી આવવાની ઘટના શંકાસ્પદ હોઈ વધુ માહિતી એજન્સીઓની સત્તાવાર તપાસ બાદ જ જાણવા મળી શકે.

(1:07 PM IST)