હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુદ્ધના મંડાણ વચ્ચે રાત્રે કચ્છની સિરક્રીક સરહદે પાકિસ્તાનના ત્રણ ડ્રોન હુમલા નિષ્ફળ બનાવાયા: કચ્છ હાઈ એલર્ટ ઉપર
રાત્રે જિલ્લામાં અંધારપટ, કંડલા-મુન્દ્રા બંદરે રાત્રે કામ બંધ કરાયું, ટ્રેનો અટકાવાઈ, પોલીસનું સતત પેટ્રોલિંગ, એરફોર્સના વિમાનોની ઘરેરાટી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૯ : ભારત પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધનું મંડાણ થઈ ચૂક્યું છે ત્યારે દુશ્મન દેશ સાથે જોડાયેલ રાજ્યની કચ્છ સરહદે યુદ્ધની અસર વરતાઈ રહી છે અને કચ્છ હાઈ એલર્ટ ઉપર છે. ગઈકાલે સવારે ભુજ ઉપરનો ડ્રોન હુમલો નિષ્ફળ બનાવી ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોનને ખાવડા પાસે રણ વિસ્તારમાં તોડી પાડ્યું હતું.
ત્યારબાદ રાત્રે પાકિસ્તાન દ્વારા કાશ્મીર સરહદે કરાઈ રહેલ હુમલાઓ વચ્ચે કચ્છ સરહદે પણ ડ્રોન હુમલાઓ કરાયા હતા. કચ્છની સંવેદનશીલ એવી સિરક્રીક સરહદ (જખૌ અને કોટેશ્વર વચ્ચેની દરિયાઈ સરહદ) ઉપર ત્રણ પાકિસ્તાની ડ્રોન એટેક ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. કચ્છ ઉપર ડ્રોન હુમલાને જોકે, સત્તાવાર પુષ્ટિ અપાઈ નથી. પરંતુ ડ્રોન હુમલાના સમાચારો બાદ રાત્રે જ તંત્ર સાબદું થઈ ગયું હતું અને તાત્કાલિક અસરથી હાઇ એલર્ટ અનુસાર પગલાંઓ ભરાયા હતા.
રાત્રે ૧૦/૩૦ બાદ સમગ્ર કચ્છમાં અંધારપટનો અમલ શરૂ કરી દેવાયો હતો એ સાથે જ રાત્રે કંડલા અને મુન્દ્રા બંદરનું કામકાજ બંધ કરી દેવાયું હતું. રાત્રે ટ્રેનોની અવરજવર તેમ જ રસ્તા ઉપરનો વાહન વ્યવહાર પણ થોડો સમય અટકાવી દેવાયો હતો.
પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું હતું. કચ્છમાં વાયુસેનાના બે એરબેઝ છે, ભુજ અને નલિયા એ બંને જગ્યાએથી એરફોર્સના લડાકુ વિમાનો આકાશમાં નિગરાની રાખી રહ્યા હતા. લોકોના જાન માલની સુરક્ષા અર્થે કચ્છમાં સમગ્ર તંત્ર હાઈ એલર્ટ ઉપર હતું સરકાર પણ કચ્છ ઉપર નજર રાખી તંત્ર સાથે સંપર્કમાં હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
