<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ચોટીલાનાં સણોસરા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ડે.કલેકટરની આકસ્‍મિક ચકાસણીમાં મોટા ભાગનો સ્‍ટાફ ગેર હાજર

 

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૯:  ચોટીલા તાલુકાનાં ગ્રામ્‍ય પંથકમાં આવેલા આરોગ્‍ય કેન્‍દ્રમાં લાલીયાવાડી ચાલતી હોવાનું તેમજ મહત્‍વનાં ગણાતા આરોગ્‍ય વિભાગમાં એકબીજાનાં આશિર્વાદથી પત્રકો ઉપર જ ટકાટક, પરંતુ વાસ્‍તવિક્‍તામાં અનેક પ્રકારની બેદરકારી અંગે ન ખાનગીમાં ધ્‍યાન ઉપર આવતા ગુરૂવારનાં નાયબ કલેકટર એચ. ટી. મકવાણા , પ્રાંત ચોટીલા એ સણોસરા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની આકસ્‍મિક ચકાસણી હાથ ધરતા ચૌકી ઉઠેલ હતા.

પ્રાત અધિકારીની આકસ્‍મિક ચકાસણી દરમ્‍યાન મેડીકલ ઓફીસર ફરજ ઉ૫ર હાજર ન મળતા સ્‍ટાફને પુછતા તેઓ તાલીમમાં રાજકોટ ગયેલ હોવાનું જણાવેલ, પરંતુ તેમના ચાર્જ કોને? તે અંગે હાજર સ્‍ટાફને કોઇ જાણ ન હતી તેમજ ફાર્માસીસ્‍ટ એમ.બી ઝાલા સતત ગેરહાજર રહે છે, મહિનામાં એકવાર આવીને તમામ હાજરી પુરી જતા હોવાની વિગતો મળી હતી, FLS શ્રીમતી એ.કે. ૫રમાર, સ્‍વીપર મનસુખભાઇ ૫રમાર, આયા શ્રીમતી કિરણબા રાણા જેવા જવાબદાર કર્મચારી કોઇ૫ણ પ્રકારની મંજુરી વગર ગેરહાજર મળી આવેલ હતા.

ઓપીડીનો સમય સવારે ૦૯/૦૦ કલાકે શરૂ થતો હોવા છતા હોવા છતા ૧૦/૩૦ સુધીમાં ૧૨ સામે ફકત ૪ સ્‍ટાફ જ હાજર મળેલ હતો. ચકાસણીમાં ફરજ ઉપરના ૮ કર્મી ગેરહાજર હતા. આ સંદર્ભે ચોટીલા તાલુકા હેલ્‍થ ઓફિસર , ફાર્માસિસ્‍ટ અને અન્‍ય સંબંઘિતોને નોટિસો આપી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા ગુટલીબાજ અને લાલિયાવાડી ચલાવતા કર્મચારી વર્ગમાં ફફડાટ સાથે હડકંમ્‍પ મચી ગયો છે.

ઉપરાંત જનરલ OPD રજીસ્‍ટરમાં ૬૦ જેટલા દર્દીઓના નામમાં ફકત લીટા દોરેલ તેમજ ન ઉકેલી શકાય તેવા દર્શાવેલા, એક૫ણ દર્દીઓના મોબાઇલ નંબર ન હતો તમામના નામો સામે ફકત એક જ કેસ કાઢવામાં આવેલ છે, બાકીના કોઇ દર્દીના કેસો કાઢયાં નું રેકર્ડે ન હતુ.

કોલ્‍ડ ચેઇન રજીસ્‍ટર, ડેડ સ્‍ટોક રજીસ્‍ટર, ઇન્‍ડેન્‍ટ રજીસ્‍ટર, રેફરલ રજીસ્‍ટર વિગેરે નથી નિભાવે, બાયો-મેટ્રીક સીસ્‍ટમ હોવા છતા ફકત એક જ કર્મચારીએ થમ્‍પ થકી હાજરી પુરેલ અન્‍ય કોઇ સ્‍ટાફે હાજરી જ પુરેલ ન હતી, આવશ્‍યક દવાઓની યાદી ઉ૫લબ્‍ઘ હોવા છતાં કોઇ સ્‍પષ્ટતા થતી નોહતી, હોસ્‍પિટલની ચોખાઇ અંગે કોઇ જ ચોકસાઇ નથી જોવા મળેલ, આવી અનેક ક્ષતિઓ ઘ્‍યાને આવતા પ્રાત અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવા માટે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાં અનેક ગ્રામ્‍ય આરોગ્‍ય વિભાગમાં એક ચેઇન  સિસ્‍ટમ મુજબ કાર્ય અને કામગીરી થતી હોવાનું તેમજ સરકારમાં મોકલાતી આકડીય વિગતો અને વાસ્‍તવિકતા વચ્‍ચે મોટૂં અંતર હોવાનું અને ભુતિયા તંત્ર ચાલતું હોવાની ચર્ચા ઉઠી છે. આરોગ્‍ય તંત્રની બેદરકારીનો ભોગ ગ્રામ્‍ય સ્‍તરે ગરીબ અને સામાન્‍ય લોકો બને છે જેઓને ના છુટકે ખાનગી હોસ્‍પીટલમાં રૂપિયા ખર્ચીને સારવાર લેવાની ફરજ પડે છે. અને આવા અધેર પાછળ જીલ્લા થી નીચે સુધીની ગોઠવાયેલ સિસ્‍ટમ જવાબદાર હોવાનું કહેવાય છે. જે ઉચ્‍ચ કક્ષાએ તપાસનો વિષય હોવાની ગપસપ વિભાગમાં ઉઠી છે.

(12:02 PM IST)