News of Friday, 9th May 2025
જામનગરના બોટ માલિકોને તાત્કાલિક દરિયામાંથી બોટો પરત બોલાવી લેવા આદેશ : માછીમારી પર પ્રતિબંધ : દેશવિરોધી પ્રવૃત્તિની સંભાવનાને પગલે મત્સ્યોદ્યોગ વિભાગની સૂચના
માછીમારો અને બોટોની સલામતી માટે દરિયામાં જવાના ટોકન બંધ કરાયા : શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અપીલ

જામનગર: દેશમાં પ્રવર્તમાન સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર મત્સ્યોદ્યોગ વિભાગે જિલ્લાના તમામ બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાં રહેલી પોતાની બોટો પરત બોલાવી લેવા આદેશ કર્યો છે. આ સાથે જ માછીમારી બોટોને દરિયામાં માછીમારી કરવા જવા માટેના ટોકન પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. વિભાગ દ્વારા આ નિર્ણય માછીમારો અને તેમની બોટોની સલામતી સુનિશ્ચિત કરવા તેમજ દરિયાઈ માર્ગે દેશવિરોધી તત્વો દ્વારા થનારી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે.
જામનગર મત્સ્યોદ્યોગ નિયામકશ્રી દ્વારા જિલ્લાના તમામ બોટ માલિકોને પરિસ્થિતિની ગંભીરતાને સમજવા અને દરિયામાં રહેલી તમામ બોટોને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવા સૂચના આપવામાં આવી છે. ટોકન આપવાની પ્રક્રિયા બંધ કરવામાં આવી હોવાથી કોઈપણ માછીમારી બોટને હવે દરિયામાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ ઉપરાંત, તમામ માછીમારોને અપીલ કરવામાં આવી છે કે જો તેમને કોઈ શંકાશીલ અથવા ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા વ્યક્તિ અથવા રાષ્ટ્રીય સુરક્ષા વિરોધી કોઈપણ કાર્ય કરતા જણાય, અથવા કોઈ શંકાશીલ બોટ, વસ્તુ કે વ્યક્તિની હિલચાલ ધ્યાનમાં આવે તો તાત્કાલિક નજીકના ઇન્ડિયન નેવી, પોલીસ સ્ટેશન, કોસ્ટગાર્ડ અથવા અન્ય સુરક્ષા એજન્સીને જાણ કરે.
મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી જામનગર દ્વારા જિલ્લાના તમામ મત્સ્યકેન્દ્રો પરના માછીમારો, બોટ અને હોડીઓના માલિકો, આગેવાનો અને મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ તેમજ એસોશીએશનોના હોદ્દેદારોને ઉપરોક્ત તમામ સૂચનાઓનું ગંભીરતાપૂર્વક પાલન કરવા માટે તાકીદ કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની બેદરકારી દેશની સુરક્ષા માટે ખતરો ઊભો કરી શકે છે, તેથી તમામ લોકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
