News of Friday, 9th May 2025
સલાયામાં જાહેરનામાનો ભંગ : ડ્રોન કેમેરાથી શૂટિંગ કરતા શખ્સની સલાયા મરીન પોલીસે ધરપકડ કરી : ડ્રોન જપ્ત
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરના ડ્રોન પ્રતિબંધના જાહેરનામાનું ઉલ્લંઘન : નાયબ પોલીસ અધિક્ષકની નજર પડતા તાત્કાલિક કાર્યવાહી

કૌશલ સવજાણી, જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલમાં હોવા છતાં, સલાયામાં એક શખ્સ ગેરકાયદેસર રીતે ડ્રોન કેમેરાથી શૂટિંગ કરતો ઝડપાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી જાહેરનામાનું અસરકારક પાલન કરાવવા માટે પોલીસ સતત કાર્યરત છે.
આજરોજ જામખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ કોસ્ટલ સુરક્ષા અંતર્ગત સલાયા મરીન પોલીસ સ્ટેશનની મુલાકાતે હતા, તે દરમિયાન તેમને સલાયા ટાઉનમાં એક ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. આ અંગે તેમણે તાત્કાલિક સલાયા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. રાણાને જાણ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે તાત્કાલિક તપાસ હાથ ધરતા ફીરોજ જુમાભાઇ હિંગોરા (ઉ.વ. ૪૩, ધંધો – વિડીયો શૂટીંગ, રહે. ભાણવડ, તા. ખંભાળીયા, જિ. દેવભૂમિ દ્વારકા) નામનો વ્યક્તિ સામાજિક પ્રસંગમાં ડ્રોન કેમેરા દ્વારા શૂટિંગ કરતો હોવાનું જણાયું હતું.
પોલીસે તાત્કાલિક ડ્રોન કેમેરો કબજે કરી તેની ચકાસણી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે આરોપી ફીરોજ હિંગોરાએ જિલ્લા મેજિસ્ટ્રેટના પ્રતિબંધિત જાહેરનામાનો ભંગ કર્યો હતો. આથી સલાયા મરીન પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બી.એન.એસ.) કલમ ૨૨૩ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરનાર અન્ય કોઈ વ્યક્તિ સામે પણ તપાસ ચાલુ છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
