<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

યુદ્ધની પરિસ્થિતિ પગલે મોરબી મેડિકલ કોલેજ, ઈમેજિન સેન્ટર દ્વારા મહેન્દ્રનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા.

મોરબીની મેડિકલ કોલેજમાં રક્તદાન કેમ્પ. અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાય : મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા ઉમટ્યા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મોરબી જિલ્લામાં ઠેર ઠેર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કોલેજ ખાતે રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યો છે.

સાંજે 6:30 વાગ્યા સુધીમાં અહીં 101 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. હજુ 200થી વધુ બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાઈ છે. આ વેળાએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી તેમજ સિવિલ અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીન સહીતના ઉપસ્થિત હતા અને લોકોને વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરી હતી.

મોરબીના સંસ્કાર ઈમેજિંગ સેન્ટર દ્વારા સારથી વિદ્યાલય-મહેન્દ્રનગર ખાતે તાલુકા હેલ્થ ઓફિસના સૌજન્યથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના નિવૃત શિક્ષક અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પૂર્ણ કાલિન કાર્યકર્તા મહાદેવભાઈ રેવાભાઈ રંગપરિયાએ 62 વર્ષની ઉંમરે 57મી વખત રકતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી નાગરિક ધર્મ બજાવવા બદલ મહાદેવભાઈ રંગપરિયાને ચોમેરથી ધન્યવાદ પાઠવવામાં આવી રહ્યા છે.

રક્તદાન કેમ્પને સફળ બનાવવા જયંતીભાઈ શેરસીયા, કેતનભાઈ બોપલિયા, કેશુભાઈ કલોલા, ખરેડા હેલ્થ સેન્ટરના ડો. સબાપરા સાથે વિદ્યાલયના પ્રિન્સિપાલ પ્રકાશભાઈ તથા મુકેશભાઈ ગામી વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી. જયંતીભાઈ શેરસીયા તરફથી તમામ રક્તદાતાઓને ગિફ્ટ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધી અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રક્તદાન કેમ્પમાં હાજરી આપી સૌને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યા હતા.

(12:42 AM IST)