<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

પોરબંદર અપહરણ- ખંડણી કેસમાં હિરલબાના જામીન નામંજુરઃ વધુ રિમાન્‍ડની અરજી ફગાવાઇ

રાજકોટ સારવારમાં સ્‍વસ્‍થ થયાં બાદ વધુ રીમાન્‍ડની માંગણી કરવામાં આવી હતીઃ જૂનાગઢ જયુડીશીયલ કસ્‍ટડી હવાલે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦: અપહરણ અને ખંડણી કેસમાં મહિલા અગ્રણી હિરલબા જાડેજાએ તેમના એડવોકેટ મારફતે જામીનમુકત થવા માટે અરજી કરી હતી. આ અરજી કોર્ટે નામંજુર કરી હતી. હિરલબાની અગાઉ બે દિવસના રીમાન્‍ડ દરમ્‍યાન તબીયત લથડતા રાજકોટ સારવાર માટે ખસેડાયેલ ત્‍યારપછી હિરલબા સ્‍વસ્‍થ થતાં વધુ રીમાન્‍ડની માંગણી કરવામાં આવી હતી. જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

મહિલા અગ્રણી હિરલબાના સૂરજપેલેસ બંગલા ખાતે ત્રણ વ્‍યક્‍તિઓને ૭૦ લાખની લેતીદેતી પ્રશ્ને ગોંધી રાખવાના ગુનામાં હિરલબા જાડેજાના વધુ રીમાન્‍ડની માંગણી ફગાવી દેવામાં આવી હતી અને તેમને જુનાગઢ જ્‍યુડીશિયલ કસ્‍ટડી હવાલે કરી દેવાયા છે. મૂળ કુછડી અને હાલ ક ઇઝરાયલ રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ તેના પૂર્વ પતિ, પુત્ર અને પિતાને હિરલબા જાડેજાએ સૂરજપેલેસ બંગલે ગોંધી રાખ્‍યાનો વીડિયો વાયરલ કર્યો હતો. તેમાં ૭૦ લાખ રૂપિયાની લેતીદેતી કારણભૂત હોવાનું જણાવ્‍યું હતું.

આ બનાવમાં પોલીસે હિરલબા જાડેજા અને બે સાગરિતોની ધરપકડ કરી હતી. હિરલબાને અગાઉ બે દિવસના રીમાન્‍ડ ઉપર લીધા ત્‍યારે તબીયત લથડતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાથી પૂરતા પ્રમાણમાં પૂછપરછ થઇ શકી ન હતી તેથી તેઓ સ્‍વસ્‍થ થયા બાદ પોરબંદર લાવવામાં આવતા વધુ ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર થયા હતા. આ રીમાન્‍ડ પૂર્ણ થતા પોલીસે વધુ રીમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરેલ. જેમાં વધુ રિમાન્‍ડની પોલીસની અરજી ફગાવી દેવામાં આવી છે ત્‍યાર બાદ હિરલબા જાડેજાએ તેમના એડવોકેટ મારફતે જામીન મુક્‍ત થવા માટે અરજી કરી હતી. આ અરજી કોર્ટે ફગાવી દીધી હતી અને હિરલબાને જૂનાગઢ જ્‍યુડીશીયલ કસ્‍ટડી હવાલે કરવાનો હુકમ થયો હતો.

(11:48 AM IST)