<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

ગાંધીધામમાં કંકુથી સ્‍નાન કરાવતી ભુઇનો ભાંડાફોડ કરતુ વિજ્ઞાન જાથા : ૩૦ વર્ષની ધતિંગલીલા બંધ કરાવી

એપાર્ટમેન્‍ટમાં મઢ બનાવી દુઃખદર્દ મટાડવાનું : જોવાનું અને માલીશનું કામ ચાલતુ હતુ : ભચાઉના ભુવા ભવનની વિકૃત હરકતો પણ કેમેરામાં કેદ : જાથાનો ૧૨૬૯ મો સફળ પર્દાફાશ : ભુઇએ ધતિંગલીલા કાયમી બંધ કરવા આપ્‍યુ કબુલાતનામુ

 

 

રાજકોટ તા. ૧૦ : કચ્‍છના ગાંધીધામ સેકટર -૧, ભાનુદર્શન એપાર્ટમેન્‍ટમાં છેલ્લા ૩૦ વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી લોકોના દુઃખ દર્દ, જોવાનું, માલીશ કરવાનું કામ કરતી ભુઇ જયોત્‍સનાબેન મોહનભાઇ રાજપુતની ધતીંગલીલા - કપટલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે બી-ડીવીઝન પોલીસ સ્‍ટેશનની મદદથી ૧૨૬૯ મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુઇએ જાહેરમાં માફી માંગી દોરા-ધાગા, જોવાનું કામ બંધ કરવા કબુલાતનામું આપ્‍યુ હતુ.

રાજકોટ સ્‍થિત જાથાની કચેરી દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ જાથાના કાર્યાલયે માહીતી આવી હતી કે ભુઇ જયોત્‍સનાબેન ગાંધીધામમાં આવેલ ભાનુદર્શન એપાર્ટમેન્‍ટમાં ચામુંડા માતાજીનો મઢ બનાવી લોકોના દુઃખ દર્દ મટાડવાનું, જોવાનું અને માલીશ કરવાનું કામ કરે છે. શ્રધ્‍ધાની આગમાં વિધિ વિધાન બતાવી ૧૦ હજારથી લઇ ૫૦ હજાર સુધીના ખાડામાં ઉતારી દયે છે. માનતા-ટેક રાખવાનું કહે છે. મઢે દર્શને આવવું, અમુક વાર ભરવા, કંકુથી સ્‍નાન કરવુ જેવી સલાહ શ્રધ્‍ધાળુઓને અપાતી હતી.

ભુઇનો વેવાઇ ભુવા ભવન કરશન જાદવ રમેણ આવવાથી ધુણતા અને વિકૃત હરકતો કરતા. મહીલાઓનું શોષણ કરતા હોવાના વિડિયો પુરાવા પણ બહાર આવ્‍યા છે. ભુઇ અને ભુવાની સાંઠગાંઠ હોવાની હકીકત સામે આવી હતી.

વિજ્ઞાન જાથાની ટીમે ગાંધીધામ બી-ડીવીઝન પોલીસને સાથે રાખી ભુઇમાનો પર્દાફાશ કરવાની ગોઠવણી કરી હતી. ભુઇમાં જયોત્‍સનાબેન વિધિમાંથી ઘરે આવી રહ્યાનો સંદેશો મળતા જ જાથાની ટીમ પોલીસ સ્‍ટાફ સાથે માતાજીના મઢે પહોંચી હતી. આ સમયે ભુઇના પુત્રવધુ અને પડોશી મહીલા હાજર હતા. ભુઇ પીડીતોને દુઃખ દર્દ માટે સલાહ આપી રહ્યા હતા. જાથાની ટીમે તપાસ આદરતા જ ભુઇ ભાંગી પડયા હતા અને માફી માંગવા લાગ્‍યા હતા.

તેઓએ કબુલાતનામુ આપી જાહેર કરેલ કે હું જયોત્‍સનાબેન મોહનભાઇ રાજપૂત (ઉ.વ.૫૦) ધંધો માલીશ સાથે માતાજીની સેવા પુજા અને પીડીતોના દુઃખદર્દ મટાડવાનું કામ કરૂ છુ તે આજથી બંધ કરુ છે. કંકુથી સ્‍નાનવિધિ પણ બંધ કરવાની જાહેરાત કરૂ છે. સમગ્ર મામલો થાળે પડી જતા અને રાતનો સમય હોય જાથાએ અટકાયતી પગલાનો આગ્રહ જતો કર્યો હતો. ભુઇએ વીડીયોગ્રાફીમાં માફી માંગી લીધી હતી. તેમજ તેમના વેવાઇ ભચાવના ભુવા જાદવના ઘરે તપાસ કરવામાં આવતા તે ફરાર થઇ ગયા હતા.

જાથાના આ ૧૨૬૯ માં પર્દાફાશમાં જાથાના કાર્યકરો ભક્‍તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલન, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી તથા પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. સી. એચ. બડીયાવદરા, એ.એસ.આઇ. અશોકભાઇ ભંવરલાલ, એ.એસ.આઇ. ભગીરથસિંહ નરેન્‍દ્રસિંહ, હેડ કોન્‍સ. ગુમાનસિંહ ગુલાબસિંહ, હેડ  કોન્‍સ. અરવિંદભાઇ રામાભાઇ, હેડ કોન્‍સ. જીતેન્‍દ્રસિંહ અજીતસિંહ, પો.કોન્‍સ. રવિભાઇ ચતુરભાઇ, હિરેનભાઇ માવજીભાઇ, સુરેશસિંહ સામતસિંહ, ઋષિરાજસિંહ નરપતસિંહ, પરાક્રમસિંહ ફતેસિંહ, મહિલા પો.કોન્‍સ. શર્મિષ્‍ઠાબેન ખાતુભાઇ જોડાયા હતા.

(12:03 PM IST)