<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

કચ્છમાં હાઈ એલર્ટ : કંડલા અને મુન્દ્રા બંદરે કામકાજ ઠપ્પ : ભુજમાં બે દિવસ બજારો બંધ

સરહદીય તણાવને પગલે કચ્છમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ : રાપર, ભચાઉ અને મુન્દ્રામાં આજે બજારો બંધ : રાત્રે સંપૂર્ણ બ્લેકઆઉટનો આદેશ

વિનોદ ગાલા દ્વારા, ભુજ : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે બપોર બાદ કંડલા અને મુન્દ્રા જેવા મહત્વપૂર્ણ બંદરો પર તમામ પ્રકારનું કામકાજ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ શહેરની તમામ બજારો આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આજે રાપર, ભચાઉ અને મુન્દ્રા શહેરોમાં પણ બજારો બંધ રહી હતી, જેના કારણે સામાન્ય જનજીવન પર અસર જોવા મળી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુમાં સૂચના આપવામાં આવી છે કે હવેથી દરરોજ સાંજે ૭ વાગ્યા બાદ તમામ બજારો બંધ રાખવામાં આવશે અને સમગ્ર જિલ્લામાં રાત્રિ દરમિયાન સંપૂર્ણ બ્લેકઆઉટનો અમલ કરવામાં આવશે.
તમામ રહેણાંક વિસ્તારોના ઘરોમાં પણ સાંજે ૭ વાગ્યાથી સવાર સુધી લાઈટ બંધ રાખીને બ્લેકઆઉટનો અમલ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળે અને તણાવભરી આ પરિસ્થિતિમાં વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ પગલાંનું પાલન કરવા માટે તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

 

(5:18 PM IST)