તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 10th May 2025
જામનગરમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ અને પુરવઠા પર તંત્રની બાજ નજર : સંગ્રહખોરી કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી
જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને તંત્રને સહકાર આપવા અપીલ

મુકુંદ બદીયાણી, જામનગર: જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો સરળતાથી મળી રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ દરરોજ સતત નિયંત્રણ અને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકીંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) કોઈપણ ભોગે ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિક્રેતા, રીટેલર, પ્રોસેસર, મિલર અને ઇમ્પોર્ટરને જરૂરી કાયદાકીય નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે, તો તેમની વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે હાલમાં જિલ્લામાં તમામ આવશ્યક ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.
ઉક્ત તમામ બાબતોને ધ્યાનમાં લઈને જામનગર જિલ્લાના તમામ નાગરિકોને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહીં. વધુમાં, તેમણે સામાન્ય નાગરિકોમાં આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા અંગે કોઈ પણ વ્યક્તિને અફવાઓ ન ફેલાવવા અને સરકારશ્રી તથા જિલ્લા વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપવા માટે પણ વિનંતી કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે તમામ શક્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
