<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક કલાકમાં એકથી બે ઈંચ જેટલો મૂશળધાર વરસાદ ખાબકયો: જળબંબાકાર

ભારે પવનના કારણે ઠેક-ઠેકાણે વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી: અનેક ગામોમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો

જૂનાગઢ :વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગત રવિવારથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા કેટલાક દિવસથી દેશના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. એવામાં આજે પણ સૌરાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં મેઘાવી માહોલ જામ્યો છે.

સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા બે દિવસથી માવઠાનું જોર ઘટ્યું હતુ. જેમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજ પડતાં જ ઝાપટા પડતા હતા. આજે પણ બપોર બાદ રાજકોટ, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક કલાકમાં જ એકથી બે ઈંચ જેટલો મૂશળધાર વરસાદ ખાબકતાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનના કારણે ઠેક-ઠેકાણે વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થઈ ગયા હતા. જેના પગલે અનેક ગામોમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો છે.

ભારે વરસાદના પગલે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેરીઓ ખરી પડવાના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કપાસ અને અન્ય પાકોને પણ વરસાદના કારણે નુકસાન થયું હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્યું છે.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો તાગ મેળવવા માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. ત્યારે ખેડૂતો અને સ્થાનિક લોકોએ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. વીજળીના થાંભલા અને ધરાશાયી થયેલા વૃક્ષોથી દૂર રહેવા પણ સૂચના આપવામાં આવી છે.

 

(8:53 PM IST)