<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

પોરબંદરમાં કમોસમી વરસાદનો કહેર : કુતિયાણામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ : તંત્ર દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત

જિલ્લા અને ત્રણેય તાલુકામાં ડિઝાસ્ટર શાખા દ્વારા કંટ્રોલરૂમ શરૂ : જરૂર જણાય તો મદદ માટે સંપર્ક કરવા અપીલ

પરેશ પારેખ, પોરબંદર : પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર શાખા દ્વારા તાત્કાલિક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ અને ત્રણેય તાલુકા (પોરબંદર, રાણાવાવ, કુતિયાણા)ની મામલતદાર કચેરી ખાતે આ કંટ્રોલરૂમ કાર્યરત રહેશે, જ્યાં વરસાદ દરમિયાન લોકોને કોઈપણ પ્રકારની મદદની જરૂર જણાય તો તેઓ સંપર્ક કરી શકશે.
પોરબંદર જિલ્લાના કુતિયાણા અને બરડા પંથકમાં આજે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને કુતિયાણામાં સાંજે ૪ થી ૬ વાગ્યાની વચ્ચે ભારે વરસાદ નોંધાયો છે, જે ૯૩ મિલીમીટર જેટલો છે. આ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
પોરબંદર જિલ્લા ડિઝાસ્ટર શાખા દ્વારા જિલ્લા કક્ષાએ કાર્યરત કંટ્રોલ રૂમનો નંબર ૦૨૮૬ ૨૨૨૦૮૦૦ છે. આ ઉપરાંત, પોરબંદર તાલુકા માટે ૦૨૮૬ ૨૨૨૦૫૪૩, રાણાવાવ તાલુકા માટે ૦૨૮૦૧ ૨૩૦૬૨૨ અને કુતિયાણા તાલુકા માટે ૦૨૮૦૪ ૨૬૧૨૨૬ નંબર જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદર જિલ્લાના તમામ નાગરિકોને કમોસમી વરસાદની પ્રવર્તમાન સ્થિતિમાં જરૂર જણાય તો આ કંટ્રોલ રૂમના નંબરો પર સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે.
તા. ૧૦/૦૫/૨૦૨૫ ના રોજ નોંધાયેલ વરસાદના આંકડા અનુસાર, પોરબંદર તાલુકામાં કોઈ નોંધપાત્ર વરસાદ થયો નથી, જ્યારે રાણાવાવમાં ૨ મિમી અને કુતિયાણામાં સૌથી વધુ ૯૬ મિમી વરસાદ નોંધાયો છે. જિલ્લાની સરેરાશ વરસાદની વાત કરીએ તો તે ૩૨.૬૭ મિમી નોંધાયો છે.

 

(11:24 PM IST)