News of Sunday, 11th May 2025
જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવતીકાલથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ : આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા રક્તદાન કરવા તંત્રની અપીલ : જુઓ વિડિયો
સવારે ૯ થી સાંજે ૫ સુધી નવી મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર રક્તદાન કરી શકાશે : મેડિકલ કોલેજના ડીન અને હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટની નાગરિકોને અપીલ

જામનગર, તા. ૧૧ મે: સમગ્ર રાષ્ટ્રની સુખાકારી અને સેવાની ભાવના સાથે જામનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આવતીકાલ તા. ૧૨ મે થી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં કોઈપણ પ્રકારના આકસ્મિક સંજોગો દરમિયાન લોહીની અછત ન સર્જાય તે માટે વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ તેમજ હોસ્પિટલના સુપ્રિન્ટેનડેન્ટ ડો. દિપક તિવારી દ્વારા હૃદયપૂર્વક અપીલ કરવામાં આવી છે.
તેઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિમાં લોહીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો શુભારંભ આવતીકાલ તા. ૧૨/૦૫/૨૦૨૫ થી ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે આવેલી નવી મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર થશે. જ્યાં જામનગરના નાગરિકો સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી પોતાનું અમૂલ્ય રક્તદાન કરી શકશે.
તેઓએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે રક્તદાન એ આપણી પવિત્ર ફરજ છે અને દરેક સ્વસ્થ વ્યક્તિએ આ માનવતાના કાર્યમાં સહભાગી થવું જોઈએ. આપણું એક નાનું યોગદાન પણ કોઈના જીવન માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે. તેમણે જામનગર જિલ્લાના તમામ જાગૃત નાગરિકોને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાઈને માનવતાના આ ઉમદા કાર્યમાં સહભાગી બનવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
