News of Monday, 12th May 2025
જામનગરમાં રંગુનવાલા હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે આંખનો કેમ્પ : મોતિયાના દર્દીઓ માટે ઓપરેશનની સુવિધા
૧૫મી મેના રોજ સવારે ૯ વાગ્યે કેમ્પનું આયોજન : શ્રી રણછોડદાસ બાપુ આશ્રમ - રાજકોટનો સહયોગ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર : રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ-જામનગર દ્વારા ગુરૂવાર, તારીખ ૧૫/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૯ વાગ્યે આંખના દર્દીઓ માટે વિના મૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ રંગુનવાલા હોસ્પિટલ ખાતે શ્રી રણછોડદાસ બાપુ આશ્રમ-રાજકોટ તથા જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી-જામનગરના સહયોગથી યોજાશે.
આ કેમ્પમાં આવનાર આંખના દર્દીઓને નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવશે અને જરૂરિયાત મુજબ દવા તેમજ ટીપાં વિના મૂલ્યે આપવામાં આવશે. જે દર્દીઓને મોતિયાની તકલીફ હશે, તેઓને શ્રી રણછોડદાસ બાપુ આશ્રમ હોસ્પિટલ-રાજકોટ ખાતે બસ દ્વારા લઈ જવામાં આવશે. ત્યાં તેમના રહેવા અને જમવાની પણ વિના મૂલ્યે વ્યવસ્થા કરવામાં આવશે. રાજકોટ ખાતે આ દર્દીઓનું ફેકો પદ્ધતિથી (ટાંકા વગર) સફળ ઓપરેશન કરવામાં આવશે અને ત્યારબાદ તેઓને બસ દ્વારા પરત જામનગર મૂકી જવામાં આવશે. કેમ્પના આયોજકો દ્વારા આ તમામ પ્રકારની વ્યવસ્થા તદ્દન વિના મૂલ્યે કરવામાં આવી છે.
કેમ્પમાં આવનાર દરેક વ્યક્તિને મોઢા પર માસ્ક પહેરીને આવવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે.
ઓપરેશન બાદની સૂચનાઓ:
જે દર્દીઓએ રંગુનવાલા હોસ્પિટલમાં દર ગુરૂવારે સવારે ૯ વાગ્યાના આંખના કેમ્પમાં ઓપરેશન કરાવ્યું હોય, તેઓએ દર સોમવાર, બુધવાર અને શુક્રવારે બપોરે ૪ વાગ્યે હોસ્પિટલમાં બતાવવા માટે આવવાનું રહેશે. તેમજ નવા નંબર કઢાવવા માટે દરરોજ સાંજે ૫ વાગ્યે આવવાનું રહેશે, જેની ખાસ નોંધ લેવા વિનંતી છે.
ખાસ નોંધ: મોતિયાના દર્દીઓએ ઓપરેશન માટે આવતી વખતે પોતાના આધાર કાર્ડની ઝેરોક્સમાં પોતાનો મોબાઈલ નંબર લખીને સાથે લાવવાનું ફરજિયાત છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
