News of Monday, 12th May 2025
જામનગરમાં જલારામ ગ્રુપના સહયોગથી ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો : ૧૫૦થી વધુ રક્તદાતાઓએ નોંધાવ્યો સહયોગ
જીઆઇડીસી એસોસિયેશન સહિત વિવિધ સંસ્થાઓએ સાથે મળીને સરહદ પર તૈનાત સૈનિકો માટે કર્યું રક્તદાન

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર : જામનગરમાં જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિયેશન, લઘુ ઉદ્યોગ ભારતી, જામનગર ઇલેક્ટ્રોપ્લેટસ એસોસિએશન, સ્વામી વિવેકાનંદ કો-ઓપરેટીવ સોસાયટી અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જલારામ ગ્રુપના સહયોગથી શહેરની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન જીઆઇડીસી પ્લોટ શેડ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ જયેશભાઈ સંઘાણી, જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખ મનસુખભાઈ ચૌહાણ અને વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા સહિતના અગ્રણીઓએ દીપ પ્રાગટ્ય કરીને કર્યું હતું.
આ રક્તદાન કેમ્પને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને ૧૫૦થી વધુ રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ રક્તદાન દેશ સેવા માટે તત્પર અને હાલની પરિસ્થિતિમાં સરહદ પર તૈનાત રહીને દુશ્મન દેશોને જડબાતોડ જવાબ આપી રહેલા આપણા વીર સૈનિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જીજી હોસ્પિટલ સ્થિત સરકારી બ્લડ બેન્કમાં ડોનેટ કરવામાં આવ્યું હતું. કેમ્પના આયોજકોએ રક્તદાતાઓના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું અને તેમનો આભાર માન્યો હતો. આ રક્તદાન કેમ્પમાં શહેરના અનેક અગ્રણીઓ અને નાગરિકોએ પણ હાજરી આપીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. (તસવીર : કિંજલ કારસરીયા )
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
