<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

ગોંડલમાં ડુંગર ગુરુ ભક્તિ – પૂનમ મહોત્સવની ભવ્ય ઉજવણી : 'લીડર નહિ, લેડર બનો'નો સંદેશ

નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા વૈશાખી પૂનમે ભોજપરામાં ગુરુ ભક્તિ મહોત્સવ યોજાયો : હજારો ભાવિકો ઉમટ્યા

ભાવેશ ભોજાણી દ્વારા, ગોંડલ : શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘ – ગાદી ઉપાશ્રયના ઉપક્રમે પૂજ્ય શ્રી ધીરગુરુદેવના પાવન સાંનિધ્યમાં વૈશાખી પૂનમના પવિત્ર દિવસે ભવ્ય ડુંગર ગુરુ ભક્તિ – પૂનમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવકારશી બાદ ડુંગરસિંહજી સ્વામી અને અંતરયામીના જયનાદ સાથે ધર્મયાત્રા ભોજપરા પહોંચી હતી, જ્યાં પૂજ્ય પંથકમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય જ્યોતિબાઈ મહારાજ સાહેબ, પૂજ્ય જય-વિજય મહારાજ સાહેબ પરિવાર, પૂજ્ય તરુબાઈ મહારાજ સાહેબ અને પૂજ્ય જ્યોતિજી મહારાજ સાહેબના શુભાશિષ પ્રાપ્ત થયા હતા. સંઘપ્રમુખ શ્રી જીગ્નેશભાઈ વોરાએ ઉપસ્થિત સૌ ભાવિકોનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું. જૈનશાળા અને મહિલા મંડળના બહેનોએ સુંદર સ્વાગત ગીત રજૂ કરીને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. આ પ્રસંગે પ્રવીણભાઈ કોઠારીએ ઓળી ચાતુર્માસની ભાવભરી વિનંતી કરી હતી.
ગુરુ ભક્તિ પૂનમ મહોત્સવમાં પ્રથમવાર પધારેલા અને ધીરે ધીરે ગોંડલ સંપ્રદાયની ગરિમા વધારનાર પૂજ્ય ડુંગરસિંહજી સ્વામી તથા પાટાનુપાટ આચાર્યપદે બિરાજીત પૂજ્ય ભીમજીસ્વામી, પૂજ્ય નેણસીસ્વામી, પૂજ્ય જેસંગજીસ્વામી, પૂજ્ય દેવજીસ્વામી, પૂજ્ય જશાજી સ્વામી અને પૂજ્ય પુરુષોત્તમજીસ્વામીના જીવનની પાવન ઝલક વર્ણવવામાં આવી હતી. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે કૃપા માંગવી એ કામ કાચું છે, જ્યારે કૃપા પાત્ર બનવું એ સાચું કર્મ છે. સમાજ, સંઘ અને શાસનના કાર્યોમાં લીડર નહીં, પરંતુ એક મજબૂત સીડી બનવાની શીખ આપવામાં આવી હતી. શેઠ કે માલિક બનવાની વૃત્તિ ત્યજીને સારા કાર્યોમાં માત્ર રિપોર્ટર નહીં, પરંતુ સક્રિય સપોર્ટર બનવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગૌતમપ્રસાદના લાભાર્થી શ્રી રમેશભાઈ ધડુક અને નવકારશીના દાતા કેતન ગોવિંદલાલ દેસાઈનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. આગામી વર્ષે ગૌતમ પ્રસાદની જાહેરાત ધડુક પરિવારે કરતાં સમગ્ર વાતાવરણમાં ઉમંગની લાગણી છવાઈ ગઈ હતી.
ગાદીના ગામે ડુંગર ગુરુ હોલના નિર્માણની રજૂઆત થતાં લલીતાબેન મણીલાલ કોઠારી પરિવારે ઉદાર ભાવના દાખવીને ૧૧ લાખ રૂપિયાનું માતબર દાન અર્પણ કરવાની ભાવના વ્યક્ત કરી હતી.
આગામી ઓળી ગીતગુર્જરી પૂજ્ય વનિતાબાઈ મહારાજ સાહેબની અને ઓળી વિરાણી પૌષધશાળા તથા ચાતુર્માસ ગીતગુર્જરી પૂજ્ય જ્યોતિબાઈ મહારાજ સાહેબની ઘોષિત કરવામાં આવી હતી.
સંઘના નિષ્ઠાવાન કર્મચારીઓનું નિરંજના વીરેન્દ્ર સંઘવી તરફથી સુકામેવાના આકર્ષક પેકેટ અને ગુરુભક્તિ તરફથી રોકડ એક હજાર રૂપિયાથી સન્માન કરવામાં આવ્યું હતું. જીવદયા કળશનો લાભ યશુબેન શેઠે લીધો હતો અને ૧ લાખ રૂપિયાના ઇનામના ડ્રોમાં અલ્પાબહેન દેસાઈ, છગનલાલ વિઠ્ઠલજી શેઠ અને ધારા જીતુભાઈ બેનાણી વગેરેને રોકડ, રિસ્ટવોચ અને સુવર્ણ-સિલ્વર ગીની જેવા આકર્ષક ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર મહોત્સવમાં હજારો ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગુરુ ભક્તિના રંગે રંગાયા હતા.

 

(9:34 PM IST)