તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષકને નિઃસ્વાર્થ ટ્રસ્ટ દ્વારા બીજી વખત નોટીસ
દશ દિવસમાં યોગ્ય પ્રત્યુતર નહી મળે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૧૩: જસદણ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ પ્રત્યે બેદરકારી અને કામચોર વૃતિ દાખવનાર નર્સિંગ સ્ટાફ વિરુદ્ધ આરોગ્ય નાયબ નિયામક રાજકોટને જસદણ શહેર તેમજ પંથકના ૭૧૪ નાગરિકોની સહી સાથે યોગ્ય તપાસ કરી પગલા લેવા નિસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ લેખીતમાં રજૂઆત કરતા પોતાના બચાવ માટે મેહુલભાઈ સંઘવીની વિરુદ્ધમાં નર્સિંગ સ્ટાફે કરેલા પાયાવિહોણા આક્ષેપો બાબતે કોઈપ્રકારની ખરાઈ કર્યા વગર તારીખ ૮/૪/૨૫ના રોજ સરકારી હોસ્પિટલ જસદણના અધિક્ષક તરફથી નોટીસ આપવામાં આવી હતી. જેના અનુસંધાને જસદણના યુવા ધારાશાસ્ત્રી મનન રશ્મિનભાઈ શેઠ દ્રારા તારીખ ૧૫/૪/૨૫ના રોજ નર્સિંગ સ્ટાફ તરફથી કરવામાં આવેલા ખોટા આક્ષેપો સંબંધિત આધાર પૂરાવા રજૂ કરવા વળતી નોટીસ ફટકારવામાં આવી હતી. જેનો સરકારી હોસ્પિટલના અધિક્ષક તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારનો યોગ્ય પ્રત્યુત્તર નહી મળતા તારીખ ૮/૫/૨૫ના રોજ સ્પીડ પોષ્ટના મારફતે સરકારી હોસ્પિટલ જસદણના અધિક્ષકને બીજી નોટીસ ફટકારી હતી. નોટીસમાં જણાવ્યા અનુસાર આપના દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના કારણોસર અમારા ટ્રસ્ટ દ્રારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓમાં વિક્ષેપ પડેલ છે. તેના હિસાબે અમારા ટ્રસ્ટની તથા અમારી આબરૃને ધક્કો લાગેલ છે. જે કોઈ પણ ભોગે સહન કરી શકાય તેમ નથી. માટે નોટીસ મળ્યે દશ દિવસમાં ખુલાસા સાથે યોગ્ય પ્રત્યુતર આપવામાં નહી આવે તો સરકારી હોસ્પિટલના અધિક્ષક તેમજ ર્નસિંગ સ્ટાફ વિરુદ્ધ માનહાની સંબંધ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તેવી ચિમકી નોટીસમાં ઉચ્ચારવામાં આવી હતી.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
