News of Tuesday, 13th May 2025
જામનગરમાં હાઈ ટેન્શન વિજ લાઇનમાંથી વિજ શોક લાગતાં ૫૫ વર્ષીય આધેડનું મૃત્યુ : જુઓ વિડિઓ
પટેલ એસ્ટેટમાં જોખમી બાંધકામનો ભોગ બન્યા ૫૫ વર્ષીય આધેડ: વીજ કરંટ લાગતાં નીચે પટકાયેલા પ્રણામી ભાવિકનું નિધન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૩ : જામનગરના પટેલ એસ્ટેટ વિસ્તારમાં ૧૩૫ કેવી ઝેટકોની હાઈ ટેન્શન વીજલાઇનની નીચે નિયમોને નેવે મૂકીને કરાયેલા એક કારખાનાની અગાસી પર કામ કરી રહેલા ૫૫ વર્ષીય અજયભાઈ નવીનભાઈ ભુવા (પટેલ) ગત મહિને હાઈ ટેન્શન લાઇનના કારણે લાગેલા જોરદાર વીજ કરંટથી ગંભીર રીતે દાઝી ગયા હતા, અને નીચે પટકાયા હતા. છેલ્લા ૨૪ દિવસથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા અજયભાઈનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કરૂણાંતિકા ગત તા. ૧૯-૦૪-૨૦૨૫ના રોજ સવારે આશરે ૮ વાગ્યે બની હતી. જામનગરના પટેલ એસ્ટેટ વિસ્તારમાં ૧૩૫ કેવી ઝેટકોની હાઈ ટેન્શન વીજલાઇન ખુલ્લામાં પસાર થાય છે, જેની નીચે કેટલાક કારખાનાઓ અને અન્ય બાંધકામો જોખમી રીતે આડેધડ ખડકી દેવાયા છે. આવા જ એક કારખાનાની અગાસી ઉપર ૫૫ વર્ષીય અજયભાઈ નવીનભાઈ ભુવા કામ કરી રહ્યા હતા.
બનાવના દિવસે કારખાનાના શેઠે અજયભાઈને અગાસી પરથી નીચે દોરડું નાખવા જણાવ્યું હતું. દોરડું નાખતી વખતે તેઓ અગાસી પરથી માત્ર ૩ ફૂટના અંતરેથી પસાર થતી ૧૩૫ કેવી હાઈ ટેન્શન લાઇનના તારની નજીક પહોંચ્યા હતા. ભલે સીધો સંપર્ક ન થયો હોય, પરંતુ હાઈ વોલ્ટેજ લાઇનના ઇન્ડક્શન (ચુંબકીય પ્રેરણ) કે સ્પાર્કને કારણે અચાનક જ અજયભાઈને પ્રચંડ વીજ કરંટ (શોક) લાગ્યો હતો.
વીજ કરંટ એટલો શક્તિશાળી હતો કે ધડાકાભેર અવાજ સાથે અજયભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા, અને અગાસી પરથી નીચે પટકાયા હતા. નીચે પટકાવાને કારણે તેમને શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પણ થઈ હતી, અને તેઓ બેશુદ્ધ થઈ ગયા હતા.
ઘટના બાદ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બેસુદ્ધ અને ગંભીર રીતે ઘવાયેલા અજયભાઈને સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખસેડાયા હતા. તેમની સ્થિતિની ગંભીરતા જોતા પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સઘન સારવાર માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ દિવસથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વૉર્ડમાં તેઓ મૃત્યુ સામે જજૂમી રહ્યા હતા, પરંતુ આજે ઇજાઓ અને વીજ કરંટની ગંભીર અસરને કારણે આજે વહેલી સવારે તેમનું દુઃખદ અવસાન થયું હતું.
મૃતક ૫૫ વર્ષીય અજયભાઈ ભુવા (પટેલ) પોતાના નિખાલસ સ્વભાવ અને ધાર્મિક વૃત્તિ માટે જાણીતા હતા. તેઓ 'ભગત' તરીકે ઓળખાતા હતા અને પ્રણામી ધર્મના ખીજડા મંદિર સાથે ગાઢ રીતે જોડાયેલા હતા. મંદિરની સેવા અને ભક્તિ કાર્યોમાં તેઓ સતત વ્યસ્ત રહી પોતાનું જીવન ધર્મને સમર્પિત કરતા હતા. તેમના નિધનથી ધાર્મિક ક્ષેત્રે પણ શોકની લાગણી વ્યાપી છે. અજયભાઈના પરિવારમાં તેમના પત્ની ઉપરાંત એક પુત્ર રાહુલ અને એક પુત્રી પ્રિયંકા છે.
આ સમગ્ર કરૂણ ઘટનાના સીસી ટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે અજયભાઈ દુર્ઘટનાનો ભોગ બન્યા. અજયભાઈના અચાનક અને આઘાતજનક નિધનથી ભુવા પરિવાર અને સમગ્ર પટેલ સમાજ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ ઘટનાએ શહેરી વિસ્તારોમાં જોખમી હાઈ ટેન્શન વીજ લાઈનો નીચે થતા આડેધડ બાંધકામો અને તેનાથી ઊભા થતા ગંભીર સુરક્ષા જોખમો સામે ફરી એકવાર લાલબત્તી ધરી છે. તંત્ર દ્વારા આવા ગેરકાયદેસર અને જોખમી બાંધકામો સામે તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
