તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
રંગમતી નદી પુનર્જીવન પ્રોજેક્ટને મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી : પ્રારંભિક કામો માટે ૨૫ કરોડની ફાળવણી
ધારાસભ્ય રીવાબા જાડેજાના પ્રયાસો રંગ લાવ્યા : જામનગરના વિકાસને મળશે નવી દિશા

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, તા. ૧૩ મે, ૨૦૨૫ : જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રસ્તાવિત રંગમતી નદીના પુનર્જીવન પ્રોજેક્ટને મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ દ્વારા ધારાસભ્ય રીવાબા આર. જાડેજાને પાઠવવામાં આવેલા પત્રમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે.
પત્રમાં જણાવ્યા અનુસાર, ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા તા. ૦૧-૦૭-૨૦૨૩ અને તા. ૦૧-૦૫-૨૦૨૫ના પત્રથી કરવામાં આવેલી ભલામણને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રોજેક્ટના પ્રારંભિક કામો માટે ટોકન રકમ તરીકે ૨૫ કરોડ રૂપિયાની ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી અંગે ગુજરાત શહેરી વિકાસ મિશનની કચેરીનો પત્ર પણ ધારાસભ્યને મોકલવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ધારાસભ્ય રીવાબા જાડેજા છેલ્લા ઘણા સમયથી રંગમતી નદીને પુનર્જીવિત કરવા માટે પ્રયત્નશીલ હતા અને તેમણે આ પ્રોજેક્ટને મંજૂરી મળે તે માટે સરકારમાં સતત રજૂઆત કરી હતી. તેમના આ પ્રયાસોને આખરે સફળતા મળી છે.
રંગમતી નદીના પુનર્જીવનથી જામનગર શહેરના પર્યાવરણમાં સુધારો થશે તેમજ આસપાસના વિસ્તારના લોકોને પણ તેનો લાભ મળશે. આ પ્રોજેક્ટ જામનગરના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આગામી સમયમાં પ્રોજેક્ટની વિગતવાર યોજના તૈયાર કરવામાં આવશે અને કામગીરી શરૂ કરવામાં આવશે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
