News of Tuesday, 13th May 2025
જામનગર શહેરમાં જર્જરિત ઈમારતોની પ્રિ-મોન્સુન કામગીરીના સંદર્ભમાં મનપા દ્વારા સર્વે કરાયું
હાલના દિવસોમાં તંત્રએ ૨૨૨ જેટલી ઇમારતોનો સર્વે કર્યા બાદ કુલ ૧૪૭ સ્થળોએ ઈમારતોની જર્જરિત સ્થિતિ સુધારવા નોટીસો આપવામાં આવી છે

જામનગર :જામનગર શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન સર્વે યોજીને જર્જરિત ઈમારતોને નોટીસો આપવાની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત હાલના દિવસોમાં તંત્રએ ૨૨૨ જેટલી ઇમારતોનો સર્વે કર્યા બાદ કુલ ૧૪૭ સ્થળોએ ઈમારતોની જર્જરિત સ્થિતિ સુધારવા નોટીસો આપવામાં આવી છે.
કોર્પોરેશનની ટીપીઓ. એસ્ટેટ અને ફાયર શાખાના કર્મચારીઓની બનેલી ૬ ટીમો દ્વારા મે માસમાં જર્જરિત ઈમારતોનો સર્વે શરૃ કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન ટીમો દ્વારા કુલ ૨૨૨ ઈમારતોનો સર્વે કરવામાં આવતાં ગત વર્ષે જે ઈમારતો જર્જરિત તરીકે ગણાઈ હતી. તેમાંની ઈમાતરોમાં રીપેરીંગ સહિતના ફેરફારો થઈ જવા પામ્યા છે. ૧૯ વોર્ડના તમામ વિસ્તારો જેમાં ખાસ કરીને જુના જામનગરના વિસ્તારોમાં જુના મકાનો વિશેષ હોવાથી તંત્રની ટીમો દ્વારા આ વિસ્તારોમાં સર્વે કરતી વેળાએ ખાસ ધ્યાન અપાય છે.
ચાલુ મહિનામાં આવા સર્વે દરમિયાન ૧૪૭ સ્થળોએ મકાનોના છજા, ગેલેરી, અગાશીની પારાપેટ સહિતના ભાગો જર્જરિત થઈને પડે તેવા જણાતા હોવાથી ટીમો દ્વારા આ તમામ સ્થળોના ભોગવટા કરતા લોકોને મકાનોના જર્જરિત હિસ્સાને દુર કરીને સલામત સ્તરે લવવાની કાર્યવાહી કરીને રીપોર્ટ આપવા નોટીસો આપવામાં આવી છે.
શહેરમાં કોર્પોરેશનની ૧૪૦૪ આવાસ યોજનાના ૧૪૦૪ ફુલેટોને ૨૦૧૮થી જોખમી ગણીને નોટીસો અપાયા બાદ આ કોલોનીના બે માળના ૧૧૭ બ્લોક્સ પૈકીના ૬૬ બ્લોક્સના ૭૯૨ ફલેટસ તોડી પાડવામાં આવ્યા છે. આ જ રીતે હાઉસીંગ બોર્ડ સાધના કોલોનીના ૨૯ બ્લોક્સના ૩૪૮ ફલેટસ તોડી પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ૧૪૦૪ આવાસોના બાકી રહેલા આવાસો પણ તોડી પાડવાની તૈયારી ચાલતી હોવાના સંકેતો સાંપડે છે. આમ શહેરમાં છેલ્લા એક વર્ષમાં તંત્રએ જોખમી ગણેલા એવા ૧૪૭ જેટલી જોખમી ઇમારતોને સેઇફ સ્ટેજે લઈ જવા નોટિસ પાઠવી છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
