<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

પાકિસ્તાન તરફી ટિપ્પણી કરવી બે યુવકોને ભારે પડી : ભાણવડ પોલીસે ધમકી આપવાના ગુનામાં ધરપકડ કરી : પાકિસ્તાની સંપર્કોની તપાસ શરૂ

યુદ્ધના વીડિયો જોતી વખતે પાકિસ્તાનની તરફેણમાં બોલવું અને ધમકી આપવી ગુનો બન્યો : તણાવપૂર્ણ માહોલમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની સતર્ક કાર્યવાહી

કૌશલ સવજાણી દ્વારા, જામખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે બે યુવકોની પાકિસ્તાન તરફી ટિપ્પણી કરવી ભારે પડી છે. ભાણવડ પોલીસે નુરમામદભાઈ ઉમરભાઈ હિંગોરા (રહે. ભાણવડ, મૂળ ભેનકવડ) અને હુશેનભાઈ સુમારભાઈ હિંગોરા (રહે. ભાણવડ, મૂળ ભેનકવડ) નામના બે યુવકોની ધમકી આપવાના ગુનામાં ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં તેમના પાકિસ્તાની સંપર્કો હોવાનું પણ સામે આવ્યું છે, જે દિશામાં હાલ સઘન તપાસ ચાલી રહી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ફરિયાદી મુકેશભાઈ રણમલભાઈ ખીટ (રહે. મૂળ ભેનકવડ) ગત તા. ૦૯/૦૫/૨૦૨૫ ના રોજ ભાણવડ ટાઉનમાં રણજીતપરા વિસ્તારમાં આવેલી શિવ સેલ્સ એજન્સી નામની દુકાનમાં પોતાના મોબાઈલ ફોનમાં રીલ્સ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ભારત-પાકિસ્તાન યુદ્ધના વીડિયો આવતા દુકાનમાં કામ કરતા આરોપી નુરમામદભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી સાથે ઉગ્ર બોલાચાલી કરી પાકિસ્તાન વિરુદ્ધ કંઈપણ બોલવાની મનાઈ કરી હતી.
ત્યારબાદ, તા. ૧૨/૦૫/૨૦૨૫ ના રોજ આરોપી નંબર-૨ હુશેનભાઈએ ફરિયાદીને તેમના મોબાઈલ નંબર પર ફોન કરી ઉપરોક્ત બનાવ અંગે આરોપી નુરમામદભાઈના પક્ષમાં સમર્થન કર્યું હતું અને ફોન પર ઉશ્કેરણીજનક વાતચીત કરી ગાળો આપી હતી. એટલું જ નહીં, હુશેનભાઈએ ફરિયાદીને ભાણવડ ટાઉનમાં રણજીતપરા વિસ્તારમાં આવેલી સૂર્યવંશી પાનની દુકાને બોલાવી બંને આરોપીઓએ ફરિયાદીને પાકિસ્તાન વિશે કંઈ બોલશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને બોલાચાલી કરી હતી.
દરમિયાન, ભાણવડ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ તકેદારી પેટ્રોલિંગમાં હોવાથી ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બંને આરોપીઓને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ આવ્યો હતો. ફરિયાદી મુકેશભાઈની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ ગુનાની તપાસ દરમિયાન આરોપીઓના મોબાઈલ ફોન ચેક કરતા તેઓ પાકિસ્તાનના ઘણા લોકો સાથે અલગ અલગ સોશિયલ મીડિયા એપ્લિકેશન જેવી કે વોટ્સઅપ અને ફેસબુકથી સંપર્કમાં હોવાનું જણાયું છે. હાલ પોલીસ આ દિશામાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ કાર્યવાહી ભાણવડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. રાજવી, પો.સ.ઈ. પી.જે. ખાંટ, પો.સ.ઈ. એન.એન. વાળા, પો.સ.ઈ. પી.એમ. ગોરફાડ અને સર્વેલન્સ સ્ટાફના તમામ કર્મચારીઓ તેમજ બીટ/આ.પો.ના તમામ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

 

(9:49 PM IST)