<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th May 2025

જામનગરમાં વર્ના કારમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો : ડ્રાઇવર સહિત ત્રણની ધરપકડ : જુઓ વિડીયો

એલસીબીએ નુરી ચોકડી પાસેથી ૫.૪૩ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડ્યા : રાજકોટના બુટલેગરની શોધખોળ ચાલુ

મુકુંદ બદીયાણી, જામનગર : જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (એલસીબી) શહેરના નુરી ચોકડી પાસે સફળ દરોડો પાડી એક વર્ના કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાં સવાર ત્રણ ડ્રાઇવર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ૪૮ બોટલ વિદેશી દારૂ, ત્રણ મોબાઇલ ફોન અને કાર મળી કુલ રૂ. ૫,૪૩,૯૨૮/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂનો જથ્થો પૂરો પાડનાર રાજકોટના નારાયણ નામના બુટલેગરને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂની સૂચના અને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિબિશનના કેસો શોધવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન એલસીબી સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા અને કિશોરભાઈ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે નુરી ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી.
બાતમી મુજબની કાળા કલરની વર્ના કાર નં- જી.જે.૦૧ આર.પી.૪૪૪૭ આવતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા કારમાંથી ૪૮ બોટલ કિંમત રૂ.૩૨,૯૨૮/- નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર (૧) મહેશભાઈ ઉર્ફ રાજુભાઈ કનૈયાલાલભાઈ પંચવાણી (ઉં.વ. ૨૬, ધંધો ડ્રાઇવિંગ, રહે. ગુલાબ નગર, જામનગર), (૨) કરણભાઈ નારણભાઈ ચેલરામાણી (ઉં.વ. ૨૫, ધંધો ડ્રાઇવિંગ, રહે. ગુલાબ નગર, જામનગર) અને (૩) કિશનભાઈ રમેશભાઈ ભારદિયા (ઉં.વ. ૨૪, ધંધો મજૂરી, રહે. લીમડા લાઈન, જામનગર) ની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂ. ૧૧,૦૦૦/- અને વર્ના કાર કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૫,૪૩,૯૨૮/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે પો. કોન્સ. સુમીતભાઈ શીયારે ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ અરજણભાઈ કોડીયાતરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો રાજકોટના નારાયણ નામના વ્યક્તિએ પૂરો પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેને પકડવા માટે પોલીસની ટીમ હાલ તપાસ કરી રહી છે.
આ સફળ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.એન. મોરી, પો.સ.ઇ. સી.એમ. કાંટેલીયા અને એલસીબી સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ભરતભાઈ ડાંગર, ધનશ્યામભાઈ ડેરવાળીયા, સુમીતભાઈ શીયાર, રૂષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી અને બીજલભાઈ બાલાસરા દ્વારા કરવામાં આવી હતી.

 

(10:01 PM IST)