તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 13th May 2025
જામનગર જિલ્લામાં કામ કરતા તમામ કર્મચારીઓ અને ભાડુઆતોની માહિતી પોલીસને આપવી ફરજિયાત : કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું બહાર પાડ્યું
કારખાનેદારો, બિલ્ડરો, ફાઉન્ડ્રી ઉદ્યોગ અને મકાન માલિકોએ ૧૫ દિવસમાં માહિતી આપવાની રહેશે : નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે

મુકુંદ બદીયાણી, જામનગર : જામનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત સમગ્ર જામનગર જિલ્લાના તમામ કારખાનેદારો, મકાન બાંધકામ સાથે સંકળાયેલા બિલ્ડરો, ફાઉન્ડ્રી ઉદ્યોગ, ખેતી તેમજ અન્ય ફેક્ટરી ઉદ્યોગ અને વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ ખાનગી ક્ષેત્રના માલિકો અને મેનેજમેન્ટ માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ બહાર પાડવામાં આવેલા આ હુકમ અનુસાર, જેમના યુનિટમાં કાયમી, હંગામી કે કોન્ટ્રાક્ટ બેઝ પર કર્મચારીઓ, કારીગરો, શ્રમિકો કે ભાગીયાઓ કાર્યરત છે, તેઓએ તેમની વિગતો નિયત પત્રક -'ક' માં તૈયાર કરીને આ જાહેરનામાની પ્રસિદ્ધિની તારીખથી વધુમાં વધુ ૧૫ દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે.
આ ઉપરાંત, ગુજરાત રાજ્યના કે અન્ય રાજ્યો/દેશમાંથી આવેલા કોઈપણ વ્યક્તિને મકાન ભાડા પેટે આપવામાં આવે ત્યારે, મકાન ભાડે અપાવનાર દલાલ અને મકાન માલિકે મકાન ભાડે આપ્યા અંગેની માહિતી નિયત પત્રક-'ખ' માં તૈયાર કરીને આ જાહેરનામાની પ્રસિદ્ધિની તારીખથી ૧૫ દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.
આ જાહેરનામું આજ તા. ૧૩/૦૫/૨૦૨૫ થી તા. ૧૧/૦૬/૨૦૨૫ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામા હેઠળ જામનગર જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુદ્ધ કલમ-૨૨૩ અન્વયે ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામાનો અમલ સુનિશ્ચિત કરવા માટે તમામ સંબંધિતોને સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પગલું કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે લેવામાં આવ્યું છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
