<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાના ડ્રિમ પ્રોજેકટ રંગમતી નદી પરના રિવરફ્રન્ટ ના પ્રારંભિક કામ અર્થે ૨૫ કરોડ ફાળવતા મુખ્યમંત્રી

પ્રથમ તબક્કામાં ૧૨૫ કરોડના ખર્ચે રંગમતી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરીની પણ ધારાસભ્ય રિવાબા જાડેજાએ સમીક્ષા કરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર : જામનગર શહેરની ઐતિહાસિક રંગમતી- નાગમતી નદી પર અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, જેના પ્રાથમિક તબક્કાના ભાગરૂપે ૧૨૫ કરોડના ખર્ચે નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી નો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આ પ્રોજેક્ટ નું જેમણે સપનું સેવ્યું હતું, તે ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા કે જેઓએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી ને આ ડ્રિમ પ્રોજેકટ ને વેગવંતો બનાવવા માટે ફંડ રિલીઝ કરવા માટે પત્ર પાઠવ્યો હતો, જેનો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્વરિત ઉત્તર અપાયો છે, અને હાલ પ્રારંભિક કામ માટે રૂપિયા ૨૫ કરોડ મંજૂર કરી દેવામાં આવ્યા છે.

જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા કે તેઓએ રંગમતી રિવર રિજુવીનેશન પ્રોજેક્ટ ની ભલામણ અન્વયે તારીખ ૧.૫.૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો હતો, અને આ પ્રોજેક્ટ અંતર્ગત ના કાર્ય માટે ની રકમની ફાળવણી કરવા રજૂઆત કરવામાં આવી હતી.

 જે રજૂઆતને અગ્રતાક્રમ આપીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે, અને  પ્રારંભિક કામ પેટે રૂપિયા ૨૫ કરોડ ના ફંડ ની ફાળવણી કરી દેવામાં આવી છે.

 ઉપરોક્ત મંજૂરીનો ગુજરાત શહેરી વિકાસ મિશનની કચેરીનો પત્ર જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા ને સાંપડ્યો છે, જેથી તેઓએ સંતોષ વ્યક્ત કર્યો છે, અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નો આભાર વ્યક્ત કર્યો છે . ઉપરાંત  રીવર ફ્રન્ટ પ્રોજેક્ટની કામગીરી પણ પુરા વેગમાં હાથ ધરવામાં આવશે.

જામનગરની રંગમતી નદીના પટમાં નદીને ઊંડી ઉતારવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા સમયાંતરે સ્થળ પર જઈ ને જાત નિરીક્ષણ કરાઈ રહ્યું છે, અને જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓને સ્થળ પર હાજર રખાવી રિવર ફ્રન્ટ ને લગતા જરૂરી સૂચનો આપવામાં આવી રહ્યા છે, અને સમગ્ર જામનગર મહાનગરપાલિકાની ટીમની સાથે ધારાસભ્ય પોતે પણ રીવરફ્રન્ટ પ્રોજેક્ટ ના કામનું બારીકઈથી નિરીક્ષણ કરીને જરૂરી સમીક્ષા કરી રહ્યા છે. 

જે તમામના પ્રયાસો થી આગામી દિવસોમાં જામનગર શહેરને વધુ એક નવું નજરાણું મળી રહેશે, અને જામનગર માટે એક અનોખી ઓળખ ઉભી થશે.

હાલ પ્રથમ ચરણમાં ખાસ કરીને નદી ને ઊંડી કરવાનો પ્રોજેક્ટ ચાલુ થયો છે, જે ચોમાસા સુધીમાં પૂર્ણ થઈ જાય તે રીતે કામગીરી હાથ ધરવામાં આવશે.

 જેથી ચોમાસા પહેલા સમગ્ર દબાણ હટાવીને વરસાદી પાણીની સમસ્યામાંથી લોકોને રાહત મળે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 ધારાસભ્ય રિવાબા જાડેજા ને પોતાના વિધાનસભા વિસ્તારમાં અનેક લોકોને પાણી ભરાવાથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેમાંથી છૂટકારો મળે તે માટેના અથાગ પ્રયાસો થઈ રહ્યા છે, જે માટે મહાનગરપાલિકાની ટીમને સત્વરે કામે લગાડી દેવામાં આવી છે.

(9:30 AM IST)