News of Wednesday, 14th May 2025
મુળીના ઉમરડા ગામે ખનીજચોરી સામે દરોડો, ૩૦૦ ટન કાર્બોસેલ સહિત મુદ્દામાલ જપ્ત
૧૫ કૂવા, ૭ ચરખી, સહિત ૧૨ લાખનો મુદ્દામાલ જપ્તઃ ૨૦૦ પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલી દેવાયા

વઢવાણ તા.૧૪: મુળી તાલુકાના ઉમરડા ગામમાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા અને મામલતદાર મૂળીની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા હતા.
જેમાં સરકારી સર્વે ૧૧૮૫ અને ખાનગી સર્વે નંબર ૭૭૮ વાળી જમીનમાં તપાસ દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલના ૧૫ કુવા, સાત ચરખી અને લગભગ ૩૦૦ ટન કાર્બોસેલ મળી આવતા કુલ ૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન રાતભર ચાલેલી ઝુંબેશમાં સ્થળ પરથી ૨૦૦થી વધુ પરપ્રાંતીય મજૂરોને સમજાવીને તેમના વતન મોકલી દેવામાં આવ્યા છે. ખાનગી સર્વે નંબર ૭૭૮ની જમીનના કબજેદારોમાં કાળુભાઈ લાલજીભાઈ જાડા, બાલુબેન લાલજીભાઈ જાડા, મરઘાબેન લાલજીભાઈ જાડા અને સવિતાબેન લાલજીભાઈ જાડાનો સમાવેશ થાય છે.
ગુજરાત મિનરલ રૂલ્સ ૨૦૧૭ના નિયમ ૨૧(૩) મુજબ આ વ્યક્તિઓ પાસેથી દંડની રકમ વસૂલ કરવામાં આવશે. જપ્ત કરાયેલો મુદ્દામાલ મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વધુમાં, સર્વે નંબર ૭૮૧ અને ૭૮૨ના કબજેદારો ધીરુભાઈ પોપટભાઈ અને રતુભાઈ પોપટભાઈ સામે પણ ગેરકાયદે ખનન બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અન્ય ખાનગી જમીનોની તપાસ ચાલુ છે અને જેમની સામે પુરાવા મળશે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.(૨.૯)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
