<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્‍ય શાખા દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

અધિકારીઓએ ઉત્‍સાહ રકતદાન કર્યુ : રકતદાન કરનાર કર્મયોગીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્‍સાહિત કરતા જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૧૪: જૂનાગઢ  જિલ્લામાં કોઇપણ  આકસ્‍મિક સંજોગો દરમિયાન રક્‍તનો જથ્‍થો પૂરતી માત્રામાં જળવાઇ રહે અને જરુરિયાતમંદો માટે તેની અછત ન સર્જાઇ તેમજ તેમને લોહી મળી રહે તે માટે જૂનાગઢ  જિલ્લા કલેકટર કચેરી તેમજ જૂનાગઢ  જિલ્લા પંચાયત કચેરીના સંયુકત ઉપક્રમે રક્‍ત દાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. આ બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં ૫૪ યુનિટ રકત એકત્ર કરવામાં આવ્‍યું હતું.

આ કેમ્‍પમાં અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ ઉત્‍સાહ સાથે રકતદાન કરી કર્મયોગ સાથે સમાજ અને રાષ્‍ટ્ર સેવાનો નવો રાહ ચીંધ્‍યો હતો.બ્‍લડ ડોનેટ કરનાર કર્મયોગીશ્રીઓને સર્ટિફિકેટ આપી  જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ પ્રોત્‍સાહિત કર્યા હતા.

જૂનાગઢ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરીના સભાખંડમાં જૂનાગઢ જિલ્લા મુખ્‍ય આરોગ્‍ય અધિકારીશ્રીની દેખરેખ હેઠળ યોજવામાં આવેલી આ રકતદાન શિબિરમાં લાઇફલાઇન બ્‍લડ બેંકનો સહયોગ સાંપડ્‍યો હતો.

આરોગ્‍ય શાખાના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓએ કેમ્‍પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી, એમ જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્‍ય શાખા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્‍યુ છે.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા : જુનાગઢ)

(1:25 PM IST)