<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

દેશવિરોધી કૃત્ય કરનાર ઝડપાયો : જામનગર સાયબર ક્રાઈમે ઈન્સ્ટાગ્રામ પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારની ધરપકડ કરી

પહેલગામ હુમલા બાદ રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ ફેલાવનાર સામે કડક કાર્યવાહી : આરોપીએ વડાપ્રધાનના પોસ્ટરનું પણ અપમાન કર્યું હતું

મુકુંદ બદીયાણી, જામનગર: જામનગર સાયબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ ફેલાવનાર એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અશોકકુમાર યાદવ દ્વારા પહેલગામમાં થયેલા આતંકી હુમલાના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના ભાગરૂપે જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સતત સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરી રહ્યું હતું.
તારીખ ૧૩/૦૫/૨૦૨૫ના રોજ સાંજે ૭:૧૫ વાગ્યે સાયબર ક્રાઈમ પોલીસને જાણવા મળ્યું કે લામીજ વાઘેર_૧૦૩ નામના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું હતું અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા પોસ્ટરમાં ચહેરો વિકૃત કરીને પોસ્ટરને જમીન પર રાખી તેના પર હાથથી ચપ્પલ મારી વિરોધ પ્રદર્શન કરતો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ કૃત્ય ભારતના સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે જોખમી હોવાથી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.કે.ઝાલા, પીએસઆઈ પી.વી.ગોહીલ અને તેમની ટીમે તાત્કાલિક ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસ દ્વારા માહિતી એકત્રિત કરીને આરોપી નાજીમ ઉર્ફે લાજીમ અજીજભાઈ ઉમરભાઈ ગજિયા (ઉં.વ. ૨૨, રહે. સચાણા ગામ, તા. જિ. જામનગર)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી તેનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેર પોલીસે તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરે અને કોઈપણ પ્રકારનું રાષ્ટ્રવિરોધી, ભડકાઉ કે અફવા ફેલાવતું કન્ટેન્ટ ન બનાવે કે શેર ન કરે. પોલીસે વધુમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જો કોઈ પણ વ્યક્તિ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ જણાશે તો તેની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને કોઈપણ શંકાસ્પદ મેસેજ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. પોલીસે સાંપ્રત સંજોગોમાં શાંતિ જાળવવા અને કાયદા વ્યવસ્થા પ્રત્યે શ્રદ્ધા રાખવા પણ અપીલ કરી છે.

(1:32 PM IST)