News of Wednesday, 14th May 2025
જામનગર જિલ્લા પંચાયતમાં સરપંચો અને તલાટીઓ માટે સિવિલ ડિફેન્સ તાલીમ યોજાઈ
નાગરિક સંરક્ષણ કચેરી અને ફાયર વિભાગ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં સાવચેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું

મુકુંદ બદીયાણી, જામનગર: જામનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લાના ૧૦૨ ગામોના સરપંચો અને તલાટીમંત્રીઓ માટે સિવિલ ડિફેન્સ અંગેની બેઝિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં નાગરિક સંરક્ષણ કચેરી અને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા યુદ્ધ જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં રાખવાની થતી વિવિધ સાવચેતીઓ વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી અને તાલીમ પણ અપાઈ હતી.
આ તાલીમનો મુખ્ય હેતુ નાગરિકોને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે અંગેની પદ્ધતિઓથી માહિતગાર કરવાનો હતો. આ તાલીમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી દીપા કોટકે ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તાલીમ દરમિયાન નાયબ નિયંત્રક વી.કે.ઉપાધ્યાય અને ચીફ વોર્ડન કમલેશ પંડ્યા દ્વારા યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની સાવચેતીઓ, હેડક્વાર્ટર, તાલીમ, સંદેશા વ્યવહાર, વોર્ડન સેવા, અગ્નિશામક સેવા, બચાવ સેવા, પ્રાથમિક સારવાર સેવા, કલ્યાણ સેવા, માલ મિલકત બચાવ સેવા, પુરવઠા સેવા અને અફવાઓ ન ફેલાય તે સુનિશ્ચિત કરવા જેવા વિવિધ સેવાઓ અંગે સમજૂતી આપવામાં આવી હતી. આ ઉપરાંત આપાતકાલીન સમયે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ અને સિવિલ ડિફેન્સની કામગીરી કેવી રીતે કરવી તે અંગેની તાલીમ પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લા પંચાયત ઉપરાંત વિવિધ તાલુકાઓમાં પણ નાગરિક સંરક્ષણ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ તાલીમમાં પી.આઈ. એમ.વી.ખીલેરી, સેક્ટર વોર્ડનો ચેતનાબેન માણેક, કિશોરભાઈ ત્રિવેદી, ભરત કટેશીયા અને નિશાબેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
