News of Wednesday, 14th May 2025
જામનગરના ખેડૂતો બાગાયત યોજનાઓનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે
નાની નર્સરી, પોલી હાઉસ, કોલ્ડ સ્ટોરેજ સહિત વિવિધ ઘટકો માટે સહાય ઉપલબ્ધ, અરજી કરવાની છેલ્લી તારીખ ૦૯/૦૬/૨૦૨૫

જામનગર: જામનગર જિલ્લાના ખેડૂતો માટે બાગાયત વિભાગ દ્વારા વિવિધ સહાય યોજનાઓ શરૂ કરવામાં આવી છે. બાગાયતી પાકોના વાવેતર વિસ્તારને વધારવાના ઉમદા હેતુથી શરૂ કરાયેલી આ યોજનાઓ હેઠળ સારી ગુણવત્તાના ધરૂ/રોપ/કલમ ઉછેર માટે નાની નર્સરી અને નવી ટીસ્યુકલ્ચર લેબ સ્થાપવા માટે સહાય મળશે. આ ઉપરાંત બહુ મૂલ્ય ધરાવતા બાગાયતી પાકોની રક્ષિત ખેતી માટે નેટ હાઉસ અને પોલી હાઉસ બનાવવા માટે પણ સહાય ઉપલબ્ધ છે.
બાગાયતી પેદાશોમાં કાપણી પછી થતા બગાડને અટકાવવા માટે ફાર્મ ગેટ પેક હાઉસ, પ્રી કુલીંગ યુનિટ, પ્રાઈમરી/મીનીમલ પ્રોસેસિંગ યુનિટ માટે પણ સહાય મળશે. પરિવહન દરમિયાન થતા બગાડને અટકાવવા માટે રેફ્રીજરેટેડ ટ્રાન્સપોર્ટ વિહિકલ ખરીદવા અને બાગાયતી પાકોના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજ અને લો કોસ્ટ ડુંગળી/લસણ સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પણ સહાય યોજના અમલમાં છે.
જામનગર જિલ્લાના જે ખેડૂતો આ યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓ આઈ-ખેડૂત પોર્ટલ પર આગામી તારીખ ૦૯/૦૬/૨૦૨૫ સુધી અરજી કરી શકશે. યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવ્યા બાદ જ અરજી કરવાની રહેશે. અરજીમાં જણાવ્યા મુજબના જરૂરી કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને તેની પ્રિન્ટ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. મંજૂરી મળ્યા બાદ અસલ બિલ અને જરૂરી દસ્તાવેજો નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર ખાતે જમા કરાવવાના રહેશે. તેમ નાયબ બાગાયત નિયામક, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે ખેડૂતો કચેરીના ફોન નંબર (૦૨૮૮) ૨૫૭૧૫૬૫ પર સંપર્ક કરી શકે છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
