News of Wednesday, 14th May 2025
જામનગરમાં જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ કોલેજ શરૂ કરવા સંસ્થાઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવાઈ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે પહેલો તબક્કો, ૧૫મી મેથી ૩૦મી મે સુધી અરજી કરી શકાશે

જામનગર: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં દરેક જિલ્લામાં 'જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ કોલેજ' શરૂ કરવાની યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં ચાર ઝોનમાં ચાર જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ કોલેજ (DLSC) શરૂ કરવામાં આવનાર છે. આ માટે જામનગર જિલ્લાની રસ ધરાવતી સરકારી અને ખાનગી કોલેજો કે સંસ્થાઓ પાસેથી તારીખ ૧૫/૦૫/૨૦૨૫ થી તારીખ ૩૦/૦૫/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ કોલેજ માટેની ઓનલાઈન અરજી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વેબસાઈટ sportsauthority.gujarat.gov.in પરથી કરી શકાશે. આ 'જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ કોલેજ'ની પસંદગી માટેના ધારા-ધોરણ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઠરાવ મુજબના રહેશે, જે નીચે મુજબ છે:
* યુજીસી માન્ય યુનિવર્સિટી અથવા યુજીસી માન્ય યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજ હોવી જોઈએ.
* રમતના મેદાનો માટે ઓછામાં ઓછી પાંચ એકર જમીનની ઉપલબ્ધિ હોવી જોઈએ, જેમાં યુનિવર્સિટી/કોલેજમાં ઉપલબ્ધ મેદાન અને ઇન્ડોર રમતની માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થશે. જો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના જિલ્લા રમત સંકુલ નજીકની કોલેજ હોય તો તેને છૂટછાટ આપી શકાશે.
* ડી.એલ.એસ.એસ. શાળાની નજીકની કોલેજ/યુનિવર્સિટીને અગ્રતા આપવામાં આવશે.
* ઓછામાં ઓછી ૨૦૦ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલની સુવિધા હોવી જોઈએ.
* પ્રાથમિક ખેલ સુવિધા અને વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તે પ્રથમ પસંદગીને પાત્ર રહેશે.
'જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ કોલેજ (DLSC)' અંગેનો ઠરાવ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વેબસાઈટ sportsauthority.gujarat.gov.in પરથી મેળવી શકાશે. તેમ જામનગર જિલ્લા રમત વિકાસ અધિકારી બી.જે. રાવલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
