<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th May 2025

જામનગરના ૧૧ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધિત : આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા તંત્રનો આદેશ

રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું : પિરોટન ટાપુ પર જવા માટે પણ પૂર્વ મંજૂરી જરૂરી

જામનગર: જામનગર જિલ્લાના ૧૧ દરિયાઈ ટાપુઓ પર આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓને રોકવા માટે પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જામનગર જિલ્લો પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ વિસ્તાર હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે.
જામનગર જિલ્લામાં કુલ ૧૧ દરિયાઈ ટાપુઓ આવેલા છે, જેમાંથી માત્ર પિરોટન ટાપુ પર માનવ વસાહત છે, જ્યારે અન્ય ટાપુઓ નિર્જન છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો હોવાથી અહીં અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે લોકોની અવરજવર રહે છે. તંત્રને એવી સંભાવના છે કે રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો આ દરિયાઈ ટાપુઓ પર આશ્રય મેળવી શકે છે અથવા હથિયારો અને નશાકારક પદાર્થો છુપાવવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. આથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જાહેરનામા અનુસાર, પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા-આવવા માટે પણ નાયબ વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગરની પૂર્વમંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું આગામી તારીખ ૧૧-૦૬-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
પ્રવેશ માટે પ્રતિબંધિત કરવામાં આવેલા ટાપુઓની વિગત:
ખારા બેરાજા ગામ નજીકનો ભેંસબીડ ટાપુ, સરમત ગામ નજીકના દંડીકા ટાપુ અને મુંડીકા ટાપુ, બેડી ગામ નજીકનો ઝિન્દ્રા ટાપુ, પિરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બડા બેલા ટાપુ, કોદરા બેડ ટાપુ, જુના બેલા ટાપુ, સોસબારી અને ઘાખડીઆ ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

 

(8:07 PM IST)