News of Wednesday, 14th May 2025
જામનગર સાયબર ક્રાઈમનો સપાટો : ₹1.81 કરોડની ઓનલાઈન ઠગાઈમાં બેંક ખાતા સપ્લાય કરનાર રાજકોટનો યુવક ઝડપાયો
"CAUSEWAY" ફેક એપ્લિકેશનથી સિનિયર સિટીઝનને શેરબજારના નામે લૂંટનાર ગેંગનો સાગરિત પકડાયો : ટેકનિકલ એનાલિસિસ અને માનવ બાતમીદારોની મદદથી પોલીસે ભીંસ વધારી

જામનગર: જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ₹1.81 કરોડની ઓનલાઈન છેતરપિંડીના ગુનામાં બેંક ખાતા પૂરા પાડનાર આરીફભાઈ રહિમભાઈ ઓસમાણભાઈ રાઉમા નામના ૨૦ વર્ષીય યુવકની રાજકોટથી ધરપકડ કરી છે. આરોપી મજૂરી કામ કરે છે અને આરાધના સોસાયટી, નવા થોરાળા, રાજકોટનો રહેવાસી છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અને પોલીસ અધીક્ષક જામનગરની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શહેર વિભાગ અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. દ્વારા ઓનલાઈન આર્થિક ઠગાઈના ગુનાઓ શોધી કાઢવા અને આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ કેસની વિગતો એવી છે કે, જામનગરના એક સિનિયર સિટીઝન સાથે આ ગુનાના આરોપીઓએ અગાઉથી ગુનાહિત કાવતરું રચી, એકબીજા સાથે મળીને વિવિધ વોટ્સએપ ગ્રૂપ બનાવ્યા હતા. તેઓએ વિવિધ બેંક ખાતાઓ અને વોટ્સએપ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી "CAUSEWAY" નામની એક ફેક એપ્લિકેશનને સેબી માન્ય અને યુએસ એક્સચેન્જ એપ્લિકેશન તરીકે દર્શાવી હતી. તારીખ ૩૦/૦૯/૨૦૨૪ થી ૨૩/૧૦/૨૦૨૪ સુધીના સમયગાળામાં આરોપીઓએ ફરિયાદીને શેરમાં રોકાણ કરાવી ઊંચો નફો કમાઈ આપવાની લાલચ આપી હતી. ફરિયાદીએ આરોપીઓના કહેવા મુજબ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹1,81,00,000નું રોકાણ કર્યું હતું. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને શેરનો નફો કે રોકેલી મૂડી પરત નહીં આપી ઓનલાઈન છેતરપિંડી કરી ગુનો આચર્યો હતો. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.પી.ઠાકુર અને હેડ કોન્સ્ટેબલ ફુલદિપસિંહ વી.જાડેજાએ આ ગુના અંગે ટેકનિકલ એનાલિસિસ કર્યું હતું અને હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરી હતી. જેના આધારે આરોપીને રાજકોટથી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાહેર જનતા માટે સંદેશ:
સાયબર ક્રાઈમ પોલીસ જામનગર દ્વારા આવા છેતરપિંડીના બનાવોથી બચવા માટે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવે છે:
* કોઈપણ અજાણી વ્યક્તિ કે સંસ્થા પર આંધળો વિશ્વાસ ન કરો.
* કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જે તમને ઝડપથી અને સરળતાથી ધનવાન બનાવવાનું વચન આપે તેનાથી સાવધાન રહો.
* કોઈપણ કંપનીમાં રોકાણ કરતા પહેલા તેની વિશ્વસનીયતા અને માર્કેટમાં તેની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવો. સેબીની વેબસાઈટ પર કંપની વિશેની માહિતી મેળવી શકાય છે.
* માત્ર સેબી દ્વારા નિયમિત બ્રોકર દ્વારા જ શેરબજારમાં રોકાણ કરો.
* શેરબજાર વિશેની મૂળભૂત માહિતી મેળવો અને રોકાણ કરતા પહેલા જોખમોને સમજો.
યાદ રાખો, શેરબજારમાં રોકાણ લાંબા ગાળાની યોજના છે અને તેમાં જોખમો રહેલા છે. ઝડપથી ધનવાન બનવાની લાલચમાં આવીને છેતરપિંડીનો ભોગ બનશો નહીં. આવી કોઈપણ છેતરપિંડીની જાણ તાત્કાલિક નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કરો.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
