<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

હિરલબા તથા તેના પ સાગરિતો સામે સાયબર ક્રાઇમ હેઠળ ફરિયાદ

પોરબંદર અપહરણ તથા ખંડણી કેસમાં હિરલબા તથા સાગરિતોએ પૂર્વ આયોજન કાવતરૂ રચીને અજાણ્‍યા માણસોના કપટપુર્વક બેન્‍કના ખાતા ખોલીને સાયબર ફ્રોડ કરેલઃ વિવિધ રાજયોની ર૦ વ્‍યકિતઓ પાસેથી છેતરપીંડીથી પડાવેલા રૂપિયા બેન્‍ક ખાતાઓમાં ઉપાડીને સગેવગે કરી નાખ્‍યાં

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧પઃ પોરબંદરમાં અપહરણ અને ખંડણી કેસમાં જેલહવાલે હિરલબા જાડેજા અને તેના ૫ સાગરીતો સામે સાયબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. સાગરીતો  હિતેશ ભીમા ઓડેદરા, પાર્થ સોનઘેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને હિરલબાના ડ્રઇવર રાજુ મેર સામે આ ફરિયાદમાં પૂર્વ આયોજિત કાવતરું રચી અજાણ માણસો ના કપટપૂર્વક બેન્‍કના ખાતા ખોલી તેમાં ૫ ખાતા માં સાયબર ફ્રોડ દ્વારા વિવિધ રાજ્‍યોના  અલગ અલગ ભોગ બનનાર વ્‍યક્‍તિઓ પાસે થી છેતરપીંડી થી પડાવેલ રૂપિયા વારંવાર મેળવી તે રૂપિયા ઉપાડી સગેવગે કરવા કરી નાખ્‍યા હતાં. કર્ણાટક,ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ગુજરાત માં થયેલ સાયબર ફ્રોડ ના રૂ ૩૫ લાખ ૭૦ હજાર રૂપિયા ૫ ખાતાઓમાં મેળવી આરોપીએ સગેવગે કરીને ગત વર્ષે કૌભાંડની શરૂઆત કરી હતી.

અપહરણ-ખંડણી કેસમાં ૭૦ લાખની લેતીદેતી પ્રશ્‍ને સૂરજ પેલેસ બંગલામાં ત્રણ લોકોને ગોંધી રાખી માર મારવાના ગુનામાં હિરલબા જાડેજા જુનાગઢ જેલ હવાલે છે. ત્‍યારે તેમની સામે સાયબર ક્રાઇમનો એક ગુનો દાખલ થયો છે. સાયબર ફ્રોડ દ્વારા અલંગ-અલગ રાજ્‍યના ભોગ બનનાર વ્‍યક્‍તિ પાસેથી છેતરપીંડી થી પડાવેલા ૩૫ લાખ ૭૦ હજારનું ટ્રાન્‍ઝેકશન આ ખાતાઓમાં કરાવવામાં આવ્‍યુ હોવાનું પોલીસની તપાસમાં ખૂલ્‍યુ હતુ. તેથી આ મુદ્દે હિરલબા જાડેજા અને અન્‍ય પાંચ સગારિતો સહિત છે સામે સાયબર ક્રાઈમ હેઠળ ગુનો દાખલ થયો છે.

સાઇબર ક્રાઇમ પોલીસમથકના સબ ઇન્‍સ્‍પેક્‍ટર વી.આર. ચાવડાએ જાતે ફરીયાદી બનીને ગુનો નોંધ્‍યો છે કે પોરબંદરના સાયબરક્રાઈમ પોલીસ મથક ખાતે પાંચેક મહિના પહેલા તા. ૨૨-૧૨-૨૦૨૪ના સાઇબર ક્રાઇમ સંબંધિત જાણવાજોગ નોંધ થઇ હતી. જેની તપાસ તેઓ કરી રહ્યા હતા. જેમાં સાઇબર ક્રાઇમ સંબંધિત સમન્‍વય પોર્ટલ દ્વારા તપાસ કરતા સમગ્ર જિલ્લામાં સાઇબર ક્રાઈમમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા શંકાસ્‍પદ બેન્‍ક ખાતાની માહિતી મળી હતી.

આ બેન્‍ક ખાતાઓમાં કમલાબાગ પોલીસ સ્‍ટેશન ખાતેથી સાઇબર ક્રાઇમ સાથે સંકળાયેલા હોવાની શકયતા ધરાવતા અન્‍ય શંકાસ્‍પદ ખાતાની યાદી અપાઇ હતી જેમાં પોરબંદરના એમ.જી. રોડ પર આવેલ કોટક મહિદ્રા બેન્‍કના ૧૪ જેટલા શંકાસ્‍પદ ખાતાની માહિતી સબ ઇન્‍સ્‍પેકટરશ્રી ચાવડાને મળી હતી. જે ૧૪ શંકાસ્‍પદ ખાતાની પોલીસે પ્રાથમિક તપાસ કરતા તે પૈકી પાંચ જેટલા ખાતામાં અલગ અલગ રાજ્‍યમાં નોંધાયેલા સાયબર ક્રાઈમના ગુન્‍હા દ્વારા છેતરપીંડીથી મેળવેલ રૂપિયાનું ટ્રાન્‍ઝેકશન થયુ હોવાની માહિતી બહાર આવી હતી. જેમાં અલગ અલગ રાજ્‍યમાં નોંધાયેલા સાઇબરક્રાઇમના ગુન્‍હા દ્વારા છેતરપીંડીથી મેળવેલ ૩૫ લાખ ૭૦ હજાર આ ખાતામાં આવ્‍યા હોવાનું ખૂલ્‍યું છે.

(1:38 PM IST)