<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

ગોંડલમાં કલાનું રાષ્ટ્રપ્રેમ સાથે સુભગ સમન્વય : આર્ટિસ્ટ મુનીર બુખારીએ 'ઓપરેશન સિંદૂર'ની વીરાંગનાઓનું ભવ્ય ચિત્ર અર્પણ કર્યું:જુઓ વિડીયો

સર ભગવતસિંહજીની મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલની દિવાલ પર કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહનું આબેહૂબ ચિત્ર કંડારાયું

ભાવેશ ભોજાણી દ્વારા, ગોંડલ: તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં દેશનું સુકાન સંભાળનાર કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને ગોંડલના પ્રખ્યાત આર્ટિસ્ટ શ્રી મુનીરભાઈ બુખારીએ કલાત્મક શ્રદ્ધાંજલિ આપી છે. મુનીરભાઈએ આ બંને વીરાંગનાઓનું એક ભવ્ય ચિત્ર ગોંડલની પ્રતિષ્ઠિત મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલની દીવાલ પર બનાવ્યું છે, જે કલા અને રાષ્ટ્રપ્રેમનો અદ્ભુત સમન્વય છે.
આ ચિત્રનું મહત્વ એ વાતમાં પણ રહેલું છે કે આ મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના ભાવનગરના મહારાજા સર ભગવતસિંહજીએ કરી હતી, જેઓ ૧૯૧૯માં ફરજિયાત કન્યા કેળવણી દ્વારા સ્ત્રી સ્વતંત્રતાના પ્રખર હિમાયતી હતા. તેમણે પોતાની માતા મોંઘીબાસાહેબની યાદમાં આ ગર્લ્સ હાઈસ્કૂલ બંધાવી હતી, જેનું હાલમાં જ સરકારશ્રી દ્વારા પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક શાળાની દીવાલ પર આ બંને "ભારત કી બેટી"નું ચિત્ર કંડારવું એ જાણે "સોને પે સુહાગા" જેવું છે, જે દેશની નારી શક્તિ અને શિક્ષણના સમન્વયને દર્શાવે છે.
આ પ્રસંગે ગોંડલના લોકોએ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહના સાહસ અને દેશ માટેના તેમના યોગદાનને હૃદયપૂર્વક સલામ પાઠવી હતી. સાથે જ, સર ભગવતસિંહજીની દુરંદેશી અને સ્ત્રી શિક્ષણ પ્રત્યેના તેમના સમર્પણને પણ યાદ કરવામાં આવ્યા હતા. આ સુંદર અને પ્રેરણાદાયી ચિત્રનું સર્જન કરનાર સાચા દેશભક્ત અને કલાકાર શ્રી મુનીરભાઈ બુખારીની કલાને પણ સૌએ બિરદાવી હતી. ગોંડલના લોકો માટે આ ઘટના ગર્વની ક્ષણ છે, જે કલા અને રાષ્ટ્રપ્રેમના અનોખા જોડાણને ઉજાગર કરે છે.

(8:37 PM IST)