<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

અમરેલીના બાબરામાં પવનચક્કી ધરાસાયી થઇ વીજલાઈન પર ખાબકતા ભીષણ આગ ભભૂકી : સમગ્ર પંથકમાં અંધારપટ

સમઢિયાળા અને સુકવાળા ગામ વચ્ચે પવનચક્કી ધરાશાયી થતાં વીજ લાઈન પર પડી : ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી

અમરેલીના બાબરામાં પવનચક્કી ધરાશાયી થતાં આગ લાગી હતી. સમઢિયાળા અને સુકવાળા ગામ વચ્ચે પવનચક્કી ધરાશાયી થતાં વીજ લાઈન પર પડી હતી. જેના કારણે વિકરાળ આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, અમરેલીના બાબરાના સમઢીયાળા ગામે ખાનગી કંપનીની પવનચક્કી ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. પવનચક્કી અચાનક ધરાશાયી થતા અડધો ભાગ બાજુમાં નીકળતી 66 KV વીજલાઇન પર પડતા ભયાનક ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગની ઘટના બે કિલોમીટર સુધી દેખાય રહી છે. સમઢીયાળા નીલવડાની વચ્ચે ઉભી કરવામાં આવેલી આ પવનચક્કી ક્યા કારણોસર ધરાશાયી થઇ તે તપાસ દરમિયાન કારણ સામે આવશે. પવનચક્કીની બાજુમાંથી પસાર થતી અનેક વીજલાઇનો બંધ થતાં સીમ વિસ્તારમાં અંધારપટ છવાયો છે. પવનચક્કી તુટી હોવાના સમાચાર ગામ લોકોને મળતા મોટી સંખ્યામાં ત્રણ ગામનાં લોકો ઘટના સ્થળે ઉમટયા હતા. ઘટનાની જાણ થતાની સાથે  ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો  ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

બાબરામાં અવારનવાર પવન ચક્કી ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે. હાલમાં પવનચક્કી ધરાશાયી થતાં લાગેલી આગના ભયંકર દ્રશ્યો સામે આવ્યાં છે.સમગ્ર ઘટનાને પગલે  વહિવટી તંત્ર પણ ઘટના સ્થળે  દોડી આવ્યું હતું. વીડિયોમાં જોઇ શકાય છે કે પવનચક્કી ધરાશાયી થતા આગે વિકરાળ સ્વરૂપ  ધારણ કર્યું છે. દૂર દૂર સુધી ધૂમાડાના ગોટો જોવા મળી રહ્યા છે.  જ્યા પવનચક્કી ધરાશાયી થઇ ત્યાર આસપાસના વિસ્તારમાં આગ પ્રસરી હતી. સ્થાનિકો અને તંત્ર દ્વારા આગ બુજાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. 

(10:40 PM IST)