<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

જામનગર : બેડ ટોલનાકું ફરી વિવાદમાં : ટોલ ભરવાના મુદ્દે ખટારા ચાલક અને અન્ય વ્યક્તિ પર સંચાલકોનો હુમલો:જુઓ વિડીયો

ટોલનાકાના ૪-૫ સંચાલકો દ્વારા બંને ટ્રક ચાલકોને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો : ટોલનાકા પર સંચાલકો દ્વારા લોકો પર હુમલાની વારંવારની ઘટનાઓ : અગાઉ પણ અનેક ફરિયાદો નોંધાઈ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગર નજીક આવેલું બેડ ટોલનાકું ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ટોલ ભરવાના પ્રશ્ને એક ખટારા ચાલક અને અન્ય એક વ્યક્તિ પર ટોલનાકાના સંચાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને પગલે ટોલનાકા પર ભારે હોબાળો મચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, ટોલ ભરવા બાબતે ખટારા ચાલક અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ટોલનાકાના ચારથી પાંચ જેટલા સંચાલકોએ બંને ટ્રક ચાલકોને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં સંચાલકો દ્વારા ચાલકોને માર મારવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે બેડ ટોલનાકા પર ટોલનાકાના સંચાલકો દ્વારા લોકો પર હુમલો કરવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ અનેકવાર આવા બનાવો બન્યા છે અને આ અંગે પોલીસમાં ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે. તેમ છતાં ટોલનાકાના સંચાલકોની દાદાગીરી યથાવત રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ટોલનાકા પર એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આરોપી સંચાલકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં માર મારવામાં આવેલા બંને ટ્રક ચાલકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ટોલનાકા પર તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. (વિડિયો ક્રેડિટ: કિંજલ કારસરીયા, જામનગર)

 

(11:37 PM IST)