News of Saturday, 17th May 2025
જસદણમાં રૂ.૩.૨૯ કરોડના વિકાસ કાર્યોનું કુંવરજીભાઈએ ખાતમુહૂર્ત કર્યુ
રૂ.૧.૨૨ કરોડના સી.સી.રોડ, રૂ.૫૯ લાખના ખર્ચે વોટર પ્લાન્ટનું રિનોવેશન થશે

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ તા. ૧૭: કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રૂ.૩.૨૯ કરોડના ખર્ચે જસદણ શહેરના જુદા જુદા વિકાસ કાર્યોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રાજ્યના પાણી પુરવઠા મંત્રી શ્રી બાવળીયાએ જસદણમાં રોડ, પાણી તેમજ નગરજનોની સુખાકારી માટે રૂપિયા ૩.૨૯ કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જસદણમાં શિવનગર સોસાયટી ખાતે જનસભાને સંબોધતા મંત્રી શ્રી બાવળીયાએ કહ્યું હતું કે જસદણ નગર પાલિકા વિસ્તારના નાગરિકોની સુખાકારી માટે વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી, રોડ રસ્તા તેમજ ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધાના રૂ.૩૨ લાખના કામોના ખાતમુહૂર્ત કરાયા છે. બાકી રહેતા વિસ્તારોમાં ખૂટતી સુવિધાના કામો પણ વહેલાસર હાથ ધરવામાં આવશે. પાલિકામાં ઘરે ઘરે પીવાનું પાણી મળે તે માટે નલ સે જલ યોજના હેઠળ કામો ચાલી રહ્યા છે. આગામી દિવસોમાં પણ વિકાસના વિવિધ કામો ચાલુ રહેશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. આ તકે પાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, આજની સામાન્ય સભામાં નગરમાં રૂ. ૧૦ કરોડથી વધુની રકમના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણના જીલેશ્વર પાર્ક ખાતેથી શહેરને પાણી પૂરું પાડતા વોટર ફિલ્ટરેશન પ્લાન્ટના રિનોવેશન અને બે વર્ષના ઓપરેશન અને મેઇન્ટેનન્સના રૂ.૫૯.૬૧ લાખના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જુદા જુદા વિસ્તારોમાં પીવીસી પાઇપલાઇનના રૂ.૧૮.૮૪ લાખના કામો તેમજ જસદણ શહેરના જુદા જુદા ૧૧ વિસ્તારોમાં, રૂ.૧.૨૨ કરોડના ખર્ચે સી.સી. રોડના કામોનો પણ આરંભ કરાવ્યો હતો.
અન્ય ખાતમુહૂર્ત કરાયેલા કામોમાં, આલણ સાગર ડેમ પમ્પિંગ સ્ટેશન ફરતે રૂ.૩૯.૧૮ લાખના કમ્પાઉન્ડ વોલ અને રિટેઈનિંગ વોલ તેમજ સ્ટેશન ફરતે રૂ.૨૩ લાખના ખર્ચે પમ્પિંગ મશીનરીના કામો કરવામાં આવશે. નગર પાલિકાની કચેરીમાં રૂ. ૧૮.૫૭ લાખના ખર્ચે ફર્નિચરની કામગીરી કરવામાં આવશે. નગરમાં વિવિધ વિસ્તારોમાં રૂ.૧૪ લાખના ખર્ચે એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઇનના કામો કરવામાં આવશે. ચુનારા વાડમાં ૮.૨૭ લાખના ખર્ચે પીવાના પાણીની પાઇપની કામગીરી કરવામાં આવશે. આ સાથે રૂ.૪.૯૬ લાખના ખર્ચે જુદા જુદા વિસ્તારોમાં સ્ટોર્મ વોટર લાઇન નાખવાના કામો થશે. અહીંના આટકોટ રોડ પર આવેલી સોલિટર સોસાયટીમાં રૂ.૩.૦૮ લાખના ખર્ચે મહિલાઓ માટે તાાન ઘાટ બનાવવામાં આવશે.
આ અવસરે જસદણ પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી, ઉપ પ્રમુખ હિતેશભાઈ થડેશ્વર, કારોબારી ચેરમેન શ્રી કાજલબેનધોડકિયા, બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી, જસદણ ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ ચંકીતભાઈ રામાણી, જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને પાલિકાના સભ્ય અશોકભાઈ ધાધલ સહિતના પાલિકા સદસ્યો, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
