તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ : લોકપ્રશ્નોના નિરાકરણ માટે કલેકટરની સૂચના
ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો પર ચર્ચા : જમીન માપણી, વીજ કનેક્શન અને રસ્તાના કામોને અગ્રતા આપવા કલેકટર કેતન ઠક્કરનો અનુરોધ

જામનગર : જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરવામાં આવેલા લોકોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેકટર કેતન ઠક્કરે આ તમામ લોક પ્રશ્નોને ધ્યાને લઇને સંબંધિત વિભાગના અધિકારીઓને આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા માટે સૂચના આપી હતી.
બેઠકની શરૂઆતમાં અગાઉના પડતર પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી અને તેના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ બેઠકમાં વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો રજૂ થયા હતા, જેમાં મુખ્યત્વે જમીન માપણીને લગતા પ્રશ્નો, વીજ વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવાની બાબત, રોડ રસ્તાઓ અને બ્રીજ બનાવવાના કામોની વર્તમાન સ્થિતિ, સિંચાઈ વિભાગને લગતા પ્રશ્નો, બી.એસ.એન.એલ., જી.એસ.આર.ટી.સી., જમીન શાખા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીને લગતા પ્રશ્નો, ફોજદારી શાખા, જિલ્લા પંચાયતને લગતા પ્રશ્નો, વન વિભાગ, ખાણ ખનીજ વિભાગ અને કોર્પોરેશનને લગતા પ્રશ્નો તેમજ લોકોની વિવિધ રજૂઆતોનો સમાવેશ થતો હતો. આ તમામ મુદ્દાઓ પર જન પ્રતિનિધિઓએ વિસ્તૃત ચર્ચા કરી હતી અને પોતાના સૂચનો રજૂ કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કરે સંકલન સમિતિના સભ્યોને સૂચન કરતાં જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ અને લોકો તરફથી આવેલી રજૂઆતોને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવે અને વિકાસના કામોને અગ્રતા આપીને તેનો સકારાત્મક દિશામાં ઉકેલ લાવવામાં આવે. તેમણે વધુમાં પડતર કામોનો ઝડપથી નિકાલ લાવવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, બેઠકમાં રાશનકાર્ડ ઈ-કેવાયસીની પ્રગતિ અને આગામી ચોમાસાની ઋતુ પહેલાં કરવાની થતી પ્રિ-મોન્સુન કામગીરી અંગે પણ સંબંધિત વિભાગોએ પોતાનો એક્શન પ્લાન તૈયાર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, નાયબ વન સંરક્ષક ડૉ. સુનીલ કુમાર બેરવાલ અને નિવાસી અધિક કલેકટર બી.એન. ખેર સહિત સંકલન સમિતિના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
