<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

જામનગર જિલ્લામાં પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક : ૧૦૦% ઈ-કેવાયસી પર ભાર

કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નવી દુકાનો, બ્રાન્ચ મર્જિંગ અને તકેદારી સમિતિની રચના અંગે ચર્ચા

જામનગર : જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્યત્વે રેશનકાર્ડ લાભાર્થીઓનું ૧૦૦% ઈ-કેવાયસી પૂર્ણ કરવા બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નવી વાજબી ભાવની દુકાનો ખોલવા, બ્રાંચ મર્જ કરવાની પ્રક્રિયા, ગ્રામ્ય/તાલુકા/જિલ્લા કક્ષાની તકેદારી સમિતિની રચના અને તેની નિયમિત બેઠકો યોજવા અંગે તેમજ વાજબી ભાવની દુકાનના સ્થળ ફેરફાર જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકને સંબોધતા કલેકટર કેતન ઠક્કરે રાશનકાર્ડ ધારકોનું ૧૦૦% ઈ-કેવાયસી કરાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે ઉપસ્થિત સભ્યોને 'માય રાશન' એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા જ ઈ-કેવાયસીની પ્રક્રિયા અંગે લોકોને માહિતી અને સમજૂતી આપવા સૂચન કર્યું હતું. તેમણે જિલ્લાના તમામ નાગરિકોને અનાજનો જથ્થો યોગ્ય સમયે અને વ્યવસ્થિત રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંત ખવા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર અને જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી. બારડ સહિત સમિતિના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

(7:00 PM IST)