<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

જામનગરની દીકરીએ રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો : હર્ષિતાબા જાડેજા BCCIના ઝોનલ કેમ્પમાં પસંદ

ક્રિકેટ કોચિંગ કેમ્પની ખેલાડીએ અંડર-૧૭ મહિલા ઝોનલ કેમ્પમાં સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું : રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાત ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું

જામનગર : જામનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ક્રિકેટ કોચ રીનાબા બી. ઝાલાના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહેલી યુવા ખેલાડી હર્ષિતાબા જાડેજાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હર્ષિતાબાની પસંદગી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા અમદાવાદમાં આયોજિત ક્રિકેટ અંડર-૧૭ મહિલાઓના ઝોનલ કેમ્પ માટે થઈ છે, જે સમગ્ર જિલ્લા માટે ગૌરવની વાત છે.
હર્ષિતાબા જાડેજાએ પોતાની પ્રતિભાનો પરિચય માત્ર રાજ્ય સ્તરે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ કરાવ્યો છે. ચાલુ વર્ષે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં તેમણે ગુજરાત રાજ્યની ક્રિકેટ અંડર-૧૯ મહિલા ટીમનું કેપ્ટન પદ સંભાળીને ટીમનું સફળ નેતૃત્વ કર્યું હતું.
હર્ષિતાબાએ જામનગરના અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે સખત તાલીમ મેળવી છે અને પોતાની મહેનત તથા લગનના પરિણામે રાષ્ટ્રકક્ષા અને રાજ્યકક્ષાની અનેક સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જામનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમની આ સિદ્ધિ બદલ જિલ્લાના રમતપ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને તેમને આગળની કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

 

(7:03 PM IST)